ઈશ ! તારી એક બે રચનાથી સ્તબ્ધ છું;
ચોતરફ બનતી જતી ઘટનાથી સ્તબ્ધ છું.
આ હવાના શાંત આ પગલાંથી સ્તબ્ધ છું;
જે નથી આવ્યું હજી, સપનાથી સ્તબ્ધ છું.
વાત વાતે આવતાં 'અથવા' થી સ્તબ્ધ છું;
આટલું કારણ વિના મથવાથી સ્તબ્ધ છું.
લાગણીના આટલા ઢગલાથી સ્તબ્ધ છું;
જાત સાથે રોજના ઝઘડાથી સ્તબ્ધ છું.
યાદમાંથી ઉડતા તણખાથી સ્તબ્ધ છું;
આપણા વિચાર આ સરખાથી સ્તબ્ધ છું.
પૂછ ના કે કેમ હું હમણાંથી સ્તબ્ધ છું?
હું હકીકતમાં મને મળવાથી સ્તબ્ધ છું.
#ડૉ_મુકેશ_જોષી