ઓટ સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ;
ચોટ સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
એ પછી નફો જ છે જો આપણા હિસાબમાં;
ખોટ સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
આમ વાંધો કંઇ નથી મારે બીજો તો સ્હેજ પણ;
મોજ સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
જિંદગીને બંધ કર ટકટક એવું પણ કહી શકો;
મોત સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
ત્યાં સુધી ગાંગુ જ તેલી આપણા માથે પડે;
ભોજ સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
શબ્દની સાચું કહું તો ક્યાં જરૂરત છે પછી?
મૌન સાથે આપણો બસ મેળ ખાવો જોઈએ.
#ડૉ_મુકેશ_જોષી