૨૧ ફેબ્રુઆરી ના માતૃભાષા દિવસ ની ખુબખુબ શુભેચ્છાઓ.
*"માતૃભાષા વંદના "*
એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી
હું ને મારી માતૃભાષા બંને છે ગુજરાતી
*કવિ નર્મદ*
ગુર્જરી! તુજથી જીવનરસ જોઈએ!
આવ મારા લોહીમાં વસ! જોઈએ..
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ!
*રઈશ મનીઆર*
અંગ્રેજીમાં નખરા કરતી જીભ પર ,
ગુર્જરી મૂકી શકે તો આવજે
*મેહુલ પટેલ 'ઈશ'*
જીભ ગુજરાતી મળી
એટલે ખ્યાતી મળી!
*મેહુલ પટેલ 'ઈશ'*
વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.
*ખલીલ ધનતેજવી*
ઈશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી
*સંજુ વાળા*
આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.
*વિવેક મનહર ટેલર*
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
*અરદેશર ખબરદાર 'અદલ'*
કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા
મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકા
*પારુલ ખખ્ખર*
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
*સંજુ વાળા*
નામ નરસિંહનું પડે કે ઓ મૂલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને
*હરીશ મિનાશ્રુ*
નોંધ એના બેસણાની આવશે ગુજરાતીમાં
'માતૃભાષાને બચાવો'ના કરે જે તાયફા
*ભાવેશ ભટ્ટ*
જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.
*અદમ ટંકારવી*
અંકલ નથી, છે કાકા મામા ફૂઆ ને માસા!
ફીક્કા છે એની પાસે સાકર અને પતાસા!
બોલી છે સાંભળી છે, જાણું છે એ બધી, પણ
ગુજરાતી જેવી મીઠ્ઠી લાગી ન કોઈ ભાષા!
*સંદીપ પૂજારા*
*ભાષા, મારી મા !*
ગરવી ગુજરાતીનું ધાવણ સકળ વિશ્વને પા !
કચ્છી, કાઠીયાવાડી, સુરતી, ચરોતરી અલબેલી
વાઘેરી ને અમદાવાદી,ચાંપાનેરી અનેરી,
આ સઘળી દીકરીની વ્હાલી ગુર્જરી મારી મા !
મા,તારા ખોળામાં ખીલતા રંગબેરંગી ફૂલો,
વિધ વિધ બોલી માં મન ગહેકે, એવા ટહુકે ઝૂલો,
એક એક બોલી ને માંડી મંત્ર સ્વરૂપે ગા !
મા તારા અક્ષર આશિષે ઉજળો આ જન્મારો,
મા, તારા સૌ શબ્દ સંગાથે સફળ થયા અવતારો,
નરસિંહ થી નર્મદનું નમણું નાજુક નાણું આ !
ભાષા, મારી મા !
ગરવી ગુજરાતી નું ધાવણ સકળ વિશ્વને પા !
*પીયૂષ ભટ્ટ*