રહ્યું છે હવે ક્યાં સંબંધ જેવું?
કે કરવું પડે છે પ્રબંધ જેવું!
હું તો એને સમજું છું અંત જેવું,
ભલે એ કહે, 'છે અનંત જેવું'.
હજું શ્વાસ ચાલે નસીબ કેવું?
અભાવે તમારાં જીવંત જેવું!
મળો ત્યાં સુધી તો અસર રહે છે,
જરા સ્હેજ અમથા કરંટ જેવું.
જીવનભર પછી પાનખર મળે છે,
ઘડી બે ઘડીની વસંત જેવું.
છે તુજ સાથનો આ પ્રભાવ એવો,
મળે મુજમાં મારાં જ અંશ જેવું.
નથી મારી તું, તોય મારી જાણું,
સદાયે રહે છે ઘમંડ જેવું.
ગયા 'અક્ષ' જોને, પછી શું નાટક?
જીવન આખુંયે રંગમંચ જેવું!
- અક્ષય ધામેચા