નમસ્તે મિત્રો.
આજે મારે એક ખાસ ચર્ચા કરવી છે. એમાં તમારાં બધાંનો અભિપ્રાય પણ જોઈએ છે. આપ સૌ જાણતાં જ હશો કે ધોરણ 10માં ગણિત બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. પરંતુ એની પદ્ધતિ કે અભ્યાસક્રમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે એક ગણિત શિક્ષિકા તરીકે મારા આક્રોશ સ્વરૂપે હું આ લખી રહી છું.
બીજું કે આ મારા પોતાનાં વિચારો છે. જે તકલીફો હું વર્ગમાં અનુભવું છું એ જ વર્ણન કર્યું છે. પાઠ્યપુસ્તકની ઘણી બધી બાબતો બેઝિક ગણિત માટે કામની જ નથી, જે રીતે એનો અભ્યાસક્રમ છે એ જોતાં. તો શા માટે એ બાળકોને એ મુદ્દાઓ ભણાવવા જોઈએ?
મુદ્દો:- ધોરણ 10માં ગણિતના બે વિભાગ.
હાલમાં જ ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ધોરણ 10માં ગણિતના બે ભાગ પાડવામાં આવ્યા છે - બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત.
જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં જવા નથી માંગતા તેમણે બેઝિક ગણિત લેવું અને જેઓએ વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધવું છે એમણે સ્ટાન્ડર્ડ ગણિત લેવું. સાથે સાથે એ વિકલ્પ પણ છે કે બેઝિક ગણિત સાથે ધોરણ 10 પાસ કર્યા પછી જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાનપ્રવાહ લેવાની ઈચ્છા કરે તો તેણે જુલાઈમાં આવતી પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવી પડે.
પરંતુ આ બંનેનાં સિલેબસમાં કોઈ જ ફેર નથી. બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત લેનાર તમામ વિદ્યાર્થીઓએ એકસરખું ભણવાનું. ફરક માત્ર એટલો જ પડશે કે બેઝિક ગણિત લેનારનું પેપર સહેલું નીકળશે.
તો શું આ યોગ્ય છે? જો આવું જ કરવું હોય તો બેઝિક ગણિતનાં અભ્યાસક્રમમાંથી જે પ્રકરણ એમને કામનાં જ નથી એ હટાવી ન દેવા જોઈએ? ભૂમિતિનું એક પણ પ્રકરણ એમને કામનું નથી, જ્યારે જુના અભ્યાસક્રમમાં આવતાં અમુક પ્રકરણો સામાન્યપ્રવાહ માટે ખૂબ જ મહત્ત્વનાં છે.
મારા મત મુજબ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત માટેનો અભ્યાસક્રમ જુદો જુદો જ હોવો જોઈએ. હાલનાં પાઠ્યપુસ્તકમાં અમુક પ્રકરણો અને ઘણી બધી રીતો એવી છે જે બેઝિક ગણિતમાં ન સમાવવાય તો વધુ સારુ રહે.
આનાં બદલે કોમર્સમાં આવતાં અને જૂનાં અભ્યાસક્રમમાં હતાં એવા પ્રકરણો જેવા કે ગણ સિધ્ધાંત કે પછી લઘુગણક જેવા પ્રકરણોનો સમાવેશ બેઝિક ગણિતમાં કરવા જોઈએ.
આ તો બંને પ્રકારનાં ગણિત લેનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો કહેવાય. બેઝિકવાળા બધું જ ભણશે પણ એમાંથી ઘણું બધું એમને માટે નકામું છે અને સ્ટાન્ડર્ડવાળા પણ બેઝિકવાળા જેટલું જ ભણશે પણ એમનું પેપર થોડું મુશ્કેલ નીકળશે.
વિચાર માંગી લે તેવી બાબત છે.
આપ સૌ તરફથી થોડા અભિપ્રાયો મળશે એ અશાએ અહીં વિરમું છું.
શ્રીમતી સ્નેહલ રાજન જાની.