🙏મિચ્છામી દુક્કડમ🙏
© ડૉ. રંજન જોષી
રિષભ મમ્મી-પપ્પા અને મીરાંને લઈ પ્રતિક્રમણ કરવા ગયો. ખરા દિલથી અત્યાર સુધીમાં પોતાનાથી થયેલ અપરાધોની ક્ષમા માંગી. બે વર્ષના લગ્નજીવનમાં રિષભ અને મીરાં વચ્ચે ઘણાં અંતરાયો આવ્યા. મીરાં ગરીબ પરિવારની હોવાથી તેણે ઘણું સહન કર્યું, સાસરિયામાં પણ અને સમાજમાં પણ. રિષભ આ બાબતમાં કાયમ મૌન જ રહ્યો.
પ્રતિક્રમણ કરી ઘરે આવીને તરત તે બધાને મેસેજ કરવા લાગ્યો, "જાણતા કે અજાણતા
મારા વાણી-વર્તન દ્વારા આપની લાગણી દુભાઈ હોય તો આપને મારા બે હાથ જોડીને મિચ્છામી દુક્કડમ." બાજુમાં ઉભેલી મીરાં મૉબાઇલની સ્ક્રીન પર ધ્યાન ટેકવતી બોલી, "બોલાઈ ગયેલા શબ્દો માટે તો મિચ્છામી દુક્કડમ કરીશું પણ ક્યારેક યોગ્ય સમયે ના બોલાયેલા શબ્દો, યોગ્ય સમયે ના લીધેલા એક્શન માટે પણ મિચ્છામી દુક્કડમ કરી લેવા જોઈએ." રિષભને સમર્પણ ને ક્ષમાનો સાચો અર્થ સમજાયો. આજની સંવત્સરી મીરાંને ફળી.