મને ખાલી પુસ્તકીયો
ભાર ન આપો,
હું શિક્ષક છું.
મને માનવ ધર્મ નો
સાર ન આપો,
હું શિક્ષક છું.
મારે સાંકળ નહી
ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર
બંધિયાર ન આપો,
હું શિક્ષક છું.
મારે તો ચાંદ સુરજ
ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશીનનો
આકાર ન આપો,
હું શિક્ષક છું.
હું મથું છું ચોમાસું
જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણ જેવી
કટાર ન આપો,
હું શિક્ષક છું.
હું તો શાળાના વૃક્ષનું
પતંગિયું છું ભલા આમ,
લડવા હવા સાથે મને
તલવાર ન આપો,
હું શિક્ષક છું.
હથેળીમાં મે
હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને
અંગાર ન આપો,
હું શિક્ષક છું.
સાત સમંદરની ખળખળ
ભરી છે મારી ભીતર,
મને ખળખળ કોઈની
ઉધાર ન આપો,
હું શિક્ષક છું.
મારી ડાળે ડાળમાં
ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ
સવાર ન આપો,
હું શિક્ષક છું.
હું નથી મ્હોતાજ
કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકિયો
પ્યાર ન આપો,
હું શિક્ષક છું.
હું ફૂલ છું નાજુક ભણતરનું,
ભણાવવા દ્યો,
કરમાઈ જાઉં એવા કામ
હજાર ન આપો,
હું શિક્ષક છું.
*શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,*
*મને કાશી, મથુરા કે*
*હરિદ્વાર ન આપો,*
*હું શિક્ષક છું.*
*સર્વેને*
*શિક્ષક દિવસની*
*શુભકામનાઓ*
🍀