ઝરણાંના સ્પર્શ માત્રથી તૂટવો તો જોઇએ,
પથ્થર ભીતરથી એટલો પોચો તો જોઇએ.
કિસ્સો જીવનમાં પ્રેમનો હોવો તો જોઇએ,
માણસ કદીક એકલો રડવો તો જોઇએ.
તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે,
દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઇએ.
વરદાન માંગવા સમુ છે, તું ય એ જ માંગ,
જગ છેતરે છતાંય તું હસવો તો જોઇએ.
ઘરમાં ભલે ને રાચરચીલું ન હોય પણ,
મનથી તું અમીર હોવો જોઈએ..
મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો,
તમને ધનિક કહેવા ગરીબો તો જોઇએ.