જ્યાં વેદશાસ્ત્રો પામે હાર તારા માટે હું શું લખું ?
ન આવે હરિ કોઈ હારોહાર તારા માટે હું શું લખું?
સવાયા શબ્દો, છંદ, અલંકારને ભાષાનો ભપકો,
ના આકર્ષી શકતા તને લગાર તારા માટે હું શું લખું?
શેષ શારદા પણ હોય અસમર્થ તને આલેખવામાં,
આખરે હું માનવમતિ ગમાર તારા માટે હું શું લખું ?
અલંકારે છો અનન્વય વર્ણવતા કલમ પણ રાંકડી,
ના શબ્દો લઈ શકતા આકાર તારા માટે હું શું લખું ?
વિષય છે અનુભૂતિનોને મૌન સેવવામાં જ હો સાર,
તું મારા માટે સર્વસ્વ સરકાર તારા માટે હું શું લખું ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.