જયારે કોઈ વ્યક્તિ પાસેથી પોતાનું કામ નીકળી ગયું હોય, અથવા લાગે કે આ વ્યક્તિ પાસે મારૂ કોઈ પણ કામ થઈ શકે તેમ નથી. અને જયારે એ વાત નક્કી થઈ જાય કે હવે આ વ્યક્તિ મારા કોઈ કામની રહી નથી, ત્યારેજ એ વ્યક્તિ સામે વાળા વ્યક્તિ જોડેના સબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું વિચારે છે. કામ, લાભ, અર્થ કે હેતુ વીના વિશ્વમાં કોઈ કાર્ય અથવા પ્રવૃતિ શક્ય નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેનો કંઈક ને કંઈક હેતુ રહેલો હોય છે. પછી એ કોઈ પણ કાર્ય હોય દાન-ધરમ કે ઈશ્વરની પૂજા દરેકમાં સ્વાર્થ કે હેતુ રહેલો છે. દાન કરતી વખતે વ્યકિત એમ વિચારીને દાન કરે છેકે તેને દાન કરવાથી પૂણ્ય મળશે. ઈશ્વરની પૂજામાં પણ કંઈક આવુજ છે, કે ઈશ્વરની પૂજા કરવાથી મારૂ કામ જલદીથી થશે. લોકો પોતાનો સ્વાર્થ સાધવા અથવા પોતાનો હેતુ સિદ્ધ કરવા માટેજ ભક્તિ કરતા હોય છે, અને છેલ્લે એ વિચાર તો હોય હોય ને હોય જ કે ભગવાનની ભક્તિ કરવાથી મને જલદી મોક્ષ મળશે. આનો મતલબ એ થયો કે સ્વાર્થ વીના કંઈજ નથી આ દુનિયામાં. તેથી એ કહેવું ખોટું નથી કે આ દુનિયા સ્વાર્થ ઉપરજ ટકેલી છે.