💕World Menstrual Hygiene Day!💕
યા દેવી સર્વ ભૂતેષુ "સહનશક્તિ" રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
રજસ્વાલા શબ્દ કહો કે, માસિક ધર્મ કે પિરિયડ- આ બધાં જ શબ્દોનો અર્થ એક જ થાય છે અને આ શબ્દ સાંભળી દરેક પુરુષના હાવભાવ જોવા જેવા થઈ જાય છે. આ શબ્દો જેટલા બોલવામાં સહેલાં છે એટલાં જ સહન કરવામાં મુશ્કેલ છે. આ સમયે સ્ત્રીનાં શરીરમાં થતાં ફેરફારો ખૂબ જ પીડા આપનારાં હોય છે. એના લીધે એની માનસિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હોય છે. એને થતી પીડાનો અનુભવ શબ્દોમાં કેમ કરીને લખાય. એમ છતાં તમારે અનુભવ કરવું હોય તો તમારાં હાથ પર જોરમાં પોતે અથવા બીજા પાસે ચીમટી ભરાવો તમારી સહનશક્તિની હદ આવી જાય ત્યાં સુધી. આનાથી અનેક ઘણું એકધારું દર્દ એક સ્ત્રી લગભગ સાત દિવસ સહન કરતી હોય છે. તમે ધ્યાનથી કોઈ દિવસ તમારી માં, બહેન, પત્ની કે દિકરીને જોઈ છે, આ દુખમાં કણસતા? કદાચ નહિં અને એ કહેશે પણ નહીં અને એના રોજના કામ કરતી રહેશે. મારા મતે છોકરો તેર કે ચૌદ વર્ષનો થાય ત્યારે એને પોતાના ઘરની સ્ત્રીઓના આ પાસાંથી વાકેફ કરાવવો જોઈએ. વિડિયો બતાવી કે અન્ય કોઈ રીતે એમને પૂરતી માહિતી કે સમજણ આપવી જોઇએ. તો જ્યારે એ પુરુષ બને ત્યારે આજે જે થઈ રહ્યું છે એ ન કરે કે ન કરવા દે. સ્ત્રીઓને ત્રણ દિવસ કોઈ કામ કરવાની મનાઈ એ માટે છે કે, એ સમય દરમ્યાન એને માનસિક અને શારીરિક બંને રીતે આરામની જરૂર હોય છે. આ વાતને મહેરબાની કરી જુદા અર્થમાં ના લો. આ તો સ્ત્રીની વાત કરી પણ એક કૂતરી કે નારીજાતિની કોઈપણ પ્રાણી માસિક ધર્મ પાળે છે અને અમારા જેટલી જ વેદના સહન કરે છે. આવા સમયે સ્ત્રીને બીજા પુરુષો તો ઠીક ઘરનાં જ પુરુષો સમજી સાથ સહકાર આપે તો પણ એના માટે ઘણું છે.
સોશિયલ મીડિયા પર એના વિશે કોઈ ટિપ્પણી ન કરો . માન ન આપી શકો તો કંઈ જ નહીં પણ અપમાન તો ન જ કરો. આમાં તમારી પોતાની જનનીની કૂખ લજવાય છે.
એકવાર વિચાર કરી જુઓ ને પેલી કલ્પના ચાવલા અંતરિક્શમાં હશે ત્યારે એણે આ પરિસ્થિતિમાં કેવી રીતે સંતુલન જાળવ્યું હશે? અરે રામાયણની સીતામા એ અશોક વાટિકામાં શું કર્યુ હશે?
માસિક ધર્મથી પીડાતી દ્વૌપદીને ભરી સભામાં દુસાશન વાળ પકડી ખેંચી લાવે છે ત્યારે એની શું હાલત થઈ હશે? પછી મહાભારત થાય એમાં ખોટું શું? એજ રજસ્વાલા સ્ત્રીના ચીર શ્રી કૃષ્ણ ભગવાને જાતે આવીને પૂર્યાં છે ત્યારે એમને તો કંઈ જ ન નડ્યું?
કામાખ્ય દેવી - (આસામ, ગુવાહાટી)
એકાવન શક્તિ પીઠોમાંની એક છે. જે યોનિ શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. જ્યાં માં ભગવતી જગદંબા ખુદ આજે પણ માસિક ધર્મ પાળે છે. અહીં મા જ્યારે માસિક ધર્મમાં હોય છે ત્યારે આપોઆપ મંદિરના દરવાજા બંધ થઈ જાય છે. મંદિરના ગર્ભગૃહમાંથી રક્ત બહાર આવે છે. ત્રણ દિવસ પછી મંદિરના દરવાજા આપોઆપ ખૂલે છે. અને માતાને ચઢાવેલા સફેદ વસ્ત્ર જે સંપૂર્ણ લાલ થઈ જાય છે એને પ્રસાદ રુપે મેળવવા ભક્તોની ભીડ જામે છે. હવે ખુદ જગત જનની માસિક ધર્મ પાળે છે છે તો અમે સ્ત્રીઓ તો એમના જ અંશ છીએ .
હા, મને અભિમાન છે મારા અસ્તિત્વ ઉપર, મને અભિમાન છે મારા સ્ત્રીત્વ પર. હા, મને ગર્વ છે કે હું સ્ત્રી છું.
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"