યાદમાં ઝૂરું છુ કાયમ રાતભર,
સ્વપ્નમાં તો સ્વપ્નમાં કર તરબતર.
કેદ કરવી'તી ક્ષણો સહવાસની,
હાય ના ઉકલી પળો; કેવી નજર!
આંખના સંવાદ કેવા મીઠડાં!
થઇ ગયો આ માંહ્યલો જો માતબર.
તું મળે તો ફૂલ સમ મ્હોરી ઉઠું,
ડર તસુ ના આવતી છો પાનખર.
આમ તો ઘટના અતિ સામાન્ય છે,
તોય ચર્ચાતી રહી એ દરબદર!
બાળપણની યાદમાં ઝૂલે ક્ષણો,
કાલુઘેલું ક્યાં ગયું ભોળું નગર.
ખાલીપાની ભેટ દીધી તેં મને,
જિંદગી ડુસકા ભરે કારણ વગર.
શૂળ પથ્થર ને ડુમા, સઘળું સહું,
કેમ વેંઢરવી, સતત ઠંડી નજર.
ડો જિજ્ઞાસા