એમ સંબંધથી કપાયો છું,
જાણે સહેજે ના ઓળખાયો છું!
લાગણીથી હું ભોળવાયો છું,
દિલના હાથે હું છેતરાયો છું !
વાત બસ, તારી મેં કરી એથી
આ ગઝલમાં હું જો, છવાયો છું !
એ રીતે સૌ જુએ મને આજે,
જાણે કે બ્હારથી લવાયો છું !
આપણે ક્યાં અલગ છીએ સહેજે ?
જો, હું તારામાં તો સમાયો છું !
ના કશું જોઈએ છે મારે તો !
હું બધી રીતે બસ, ધરાયો છું !
હું તો તારો જ થઈ ગયો છું , પણ
તારા માટે શું હું પરાયો છું ?
ઓળખે છે બધાં મને આજે,
નામ થોડું હું પણ કમાયો છું !
- હેમંત મદ્રાસી