સ્વપ્નોને સજાવીને દુનિયામાં જીવે છે માણસ.
આશાઓ જગાવીને દુનિયામાં જીવે છે માણસ.
મળેલી નિષ્ફળતાઓને ભૂલી જાય છે સહજ,
નવું લક્ષ્ય એ ધારીને દુનિયામાં જીવે છે માણસ.
ગુમાવેલ સમય, વસ્તુ કે વ્યક્તિ ખોટ છે એની,
તોય એને વિસારીને દુનિયામાં જીવે છે માણસ.
ક્યારેક બીજમાં આખુંય વૃક્ષ એને દેખાય ખરું,
એવી કલ્પના કરીને દુનિયામાં જીવે છે માણસ.
ભરોસો છે એને આવતીકાલ સારી ઊગવાનોને,
એવું સદાય વિચારીને દુનિયામાં જીવે છે માણસ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.