આયના પાસેથી નીકળ્યો ને છતાં જોયું નહીં;
એમ મારું આગવું હોવાપણું ખોયું નહીં.
ભાગ્યનો આભાર માનું એટલો ઓછો પડે;
એક પણ શમણું અમારું કોઈ દી' રોયું નહીં.
એ નદી પાસે જવાનું નહીં મળે કારણ હવે?
મેં નદીને જોઈ, ને મોઢું પછી ધોયું નહીં.
બે ખભા ઉપર લઈને આમ તો ફર્યો બધું;
બોજ જેવું લાગ્યું જે, એ પછી ઢોયું નહીં.
પાળવા સિદ્ધાંત એ પણ ક્યાં ભલા સહેલું હતું?
ઢોર દૂધાળું હતું, બસ મેં જ એ દોહયું નહીં.
વાંક તારો, આપણો કે કોઈનો પણ ક્યાં હતો?
વાતમાં મેં મોણ બસ હદથી વધુ મોયું નહીં.
ડૉ. મુકેશ જોષી