લોકસાહિત્યના મોંઘેરા મોતી જેવા
મરશિયા દુહા
આંબેથી ઉડેલ, બાવળ મન બેસે નહીં;
ચંદનવન ચૂકેલ, વન કોઈ વિસામો નહીં.
લાગેલ હત જો લા’, આડા પડીને ઓલવત;
પણ દલડે લાગ્યો દા , હડેડ્યો ડુંગર હેમિયા.
ગર્ય સળગી ગજબ થિયો, સળગ્યાં સાતે વન;
લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને બાનરા.
કાપડ ફાટ્યું હોય તો, તાણો લઈને તૂણીએ;
કાળજ ફાટ્યું હોય, સાંધો ન મળે સુરના.
સિંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય;
લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા .
ભરદરિયે કોઇ વહાણ, ભેડાનું ભાંગી ગિયું;
પંડ્ય થિયાં પાખાણ, રસ ગ્યો, રેશમિયા !
મળશું મેળે-ખેળે, મળશું ગામ ગિયાં;
એ સજણ નહીં સાંપડે, જે ધરતી ઢંક થિયાં.
તારી કવિતા તણાં, જેણે પીધેલ હોય પાણી;
એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી.
(કવિ કાગ)
લેખક સઘળા લોકની, ટાંકું તોળાણી,
તે દી વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી.
(કવિ કાગ)