માતૃભાષાની શાળાની વેદના:-
હા હું છું શાળા, એક ગુજરાતી માધ્યમની શાળા.
આપું છું બાળકોને તમામ જ્ઞાન માતૃભાષામાં.
હતો મારો પણ વૈભવ એક જમાનામાં,
થતી પડાપડી લેવાને એડમિશન,
થતા તૈયાર લોકો આપવાને મોં માંગ્યા દામ,
જુઓ આજે છું હું એકલી અટુલી,
લાગી છે ધૂન સૌને અંગ્રેજી માધ્યમની,
થયું છે બાળપણ ઘેલું વિદેશ પાછળ,
શાને ઉતાવળા છે માતા પિતા આજે,
છોડીને માતૃભાષા શીખવાને વિદેશી ભાષા?
બનવું છે સૌએ આધુનિક, પણ નથી શીખવી
પોતાની ભાષા.
શું વાત કરશે એ બાળ ઘરનાં વડીલો સાથે,
જો રહેશે એ દૂર માતૃભાષાથી?
હાય, હેલોનાં ચક્કરમાં ખોવાયા,
જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.
ભૂલ્યા આ ભૂલકાઓ વાંકા વળી,
વડીલોના આશિર્વાદ લેવાનું.
છોડી માતૃભાષા શીખ્યા વિદેશી ભાષા,
નથી તૈયાર વાલીઓ મુકવાને બાળકો
મારે ત્યાં, મૂકે છે દોટ વિદેશની ભાષા પાછળ.
ગર્વથી ફુલતી હું જ્યારે લાવે કોઈ બાળક
સ્પર્ધામાં ઈનામ અને કહેવાય કે નંબર આ
શાળાનો આવ્યો. જીતી જતું સ્પર્ધા એ બાળક
છતાં જ્યારે નામ મારું બોલાતું.
આજે છું હું સૂની પડી જોઈને
બાળકોની વાટ. કોઈ તો મોકલો
નાના બાળ, તરસી છું હું સાંભળવાને
એમનો કિલકાટ!
નથી જોઈતા મને નવા રંગ રોગાન
કે ભવ્ય બાંધકામ, હું તો ખુશ છું
માત્ર જોઈને મારા નાના બાળ.
શાને ઘેલો છે આ માનવી જવાને દેશ પાર
થઈ છે મારી આ દુર્દશા જોવી થઈ અસહ્ય.
કોને ગણું જવાબદાર મારી આ દુર્દશા માટે?
માતા પિતાની ઘેલછા કે એમની અધૂરી આકાંક્ષા?
લે છે ગર્વ પોતાનાં બાળ પર જોઈને બોલતાં
સડસડાટ અંગ્રેજી, પણ જ્યારે અટવાય છે
બોલતાં એ માતૃભાષા, નથી થઈ શકતી વાતચીત
ઘરનાં વડીલો સાથે.
રહે છે વંચિત એ બાળ સાંભળવાથી એ ગીતો
જે કરે છે એમનામાં સંસ્કારોનું સિંચન!
નથી મળતાં એમને સાંભળવાને એ પ્રસંગો
જે ઘડે છે એમને કરવાને મુસીબતોનો સામનો!
- સ્નેહલ જાની