અલગની વાત છે...
પ્રેમ હું કરતો રહું એ અલગની વાત છે !
મોજથી મળતો રહું, એ અલગની વાત છે !
બંધ રાખે બારણું, સાંજ પડતા ખોલશે ?
રોજ હું ઢળતો રહું, એ અલગની વાત છે !
તારલો સમજી મને એ નિહાળે આભમાં,
નિત્ય હું ખરતો રહું, એ અલગની વાત છે !
છે સફરમાં સાથ એ, શ્વાસમાં ભળતા રહે,
એકલો ફરતો રહું, એ અલગની વાત છે !
એક માળામાં રહી, ગેલ પંખીઓ કરે,
સ્વપ્નમાં ઉડતો રહું, એ અલગની વાત છે !
@ મેહુલ ઓઝા