ચાર ભીંતો લડે એ ખોટું છે
બારણું તરફડે એ ખોટું છે
માંડ જોવા મળે કોઈ ચહેરો
ત્યાં જ ધુમ્મસ નડે એ ખોટું છે
ઘરમાં આવી પતંગિયા કાયમ,
મીણબત્તી અડે એ ખોટું છે
એ કદી પ્રેમથી જો બોલાવે
ધ્રાસકો ના પડે એ ખોટું છે
બદ ઇરાદાથી સ્પર્શવા કોઈ,
પીઠને થાબડે એ ખોટું છે
થાક ખાવો પડે સફરમાં પણ,
બાંકડે બાંકડે એ ખોટું છે
એને મળવામાં આ જ છે જોખમ
એની આદત પડે એ ખોટું છે
સાવ ઘૂંટણથી ઓછા પાણીમાં
ડૂબતા આવડે એ ખોટું છે
લાશનું ભાગ્ય છે દફનવિધિ
ઓરડામાં સડે એ ખોટું છે
એક માણસમાં રોપવા શ્રદ્ધા,
ઈશ્વરો બાખડે એ ખોટું છે.