ચૂડલો
કમાડ પછવાડે માતા દેવકી ને
સાંભળે વહુની રે વાત;
અમ રે સાંભળતાં વવારૂ બોલિયાં
હવે કેની રાખશે લાજ !
તેડાવો ગામ ગરાસીઆ રે
લખાવો રે કાગળ !
વેગે તેડાવો વઉનો બાંધવો રે
વઉને મૈયરીએ મોકલ !
રોતી રોતી વહુ કહે છે - અરેરે ! કીડી પર આટલાં કટક લઈને શું ચડી આવ્યાં છો !
કીડી ઉપર શું કટકાયું કરો રે માતા !
રાંક ઉપર શો રોષ.
બાળક જાણી અમે બોલિયાં રે હવે !
દયા કરો મુજ દોષ.
બસ, સાસુને તો સંતોષ થઈ ગયો !
દયા ચડી રે માતા દેવકીને
ચાંપ્યાં છે રૂદિયાની સાથ,
જે રે જોયેં તે મગાવજો રે
તમારો પિયુ તે પાટણ જાય.
જોજન કેરી સાંઢડી રે માતા
પવન-વેગે જાય;
ઊંડણ દાંત ન વોરશો
હું નૈ પે’રૂં જમણે હાથ.
પીળા પોગરનો ચૂડલો રે
મારી બાંવડલી ઢંકાય;
નંદ રે નારણજીએ પાઠવ્યો રે
મૂલ કરે કે મોરાર
ત્રીકમજીએ તોળાવિયો રે
વેરાવે વૈકુંઠ જાય,
સોનાની જીવીએ મઢાવિયો રે
પેરણ રાધાને હાથ.