શબ્દની પાર સદગુરૂનું રૂપ છે,
ચર્મ ચક્ષુ હોય તેને કેમ સુજે,
જીવ પણે પદ તે કોઈને જડે નહીં,
અનુભવી હોય તે આપ બુજે,... શબ્દની
રતિવિના સ્વરૂપ લક્ષે આવે નહિ,
શીખે સુણે મરને શબ્દ ગાવે,
અનુભવ ખુલ્યા વિના આપ સુજે નહિ,
ચૈતન્ય બ્રહ્મ કદી સ્વપ્ને ન પાવે,... શબ્દની
જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે,
સંશય છુટે શીવ છે,
ધ્યેય ને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે,
તો સોહં સ્વરૂપ માં જઈ સમાવે,... શબ્દની
શબ્દની પાર આવાગમન અડે નહીં,
જેમ કાંચળી તજી ભોરિંગ જાવે,
ભક્ત ભોજલ કહે ગુરૂગમ પ્રગટે તો,
જન્મ મરણ નો ભય ના આવે,... શબ્દની