સતત કોઈને ખુચતું બીજાનું ક્યારેક ને વળી ક્યારેક કોઈ ઝંખતું પોતાનું મહત્ત્વ,
ક્યારેક કોઈને લાગતું એ ભેંકાર શુન્યતા અને કોઈ માટે તો હૈયાને નિરાંત
પળેપળ એની અનુભૂતિ ભિન્ન સૌ માટે ને નોખો એનો લગાવ,
કોણ જાણે કેમ કોઈને ખૂબ વ્હાલું ને કોઈને માટે આકરી સજા એકાંત!!
સાથી,મિત્ર,સ્વજન ને સ્નેહી એવા બહુવિધરૂપે સૌ હડસેલતા આ એકાંતને,
પ્રેમ,સહકાર, આપ્તજનના સ્નેહને સૌ ચાહતા, ઝંખતા હૈયાની નિરાંતને
ગમતું ઘડી બેઘડી કોઈકને "સ્વ"ને ઓળખવા માટે કદાચ પણ
આબાલવદ્ધ સૌ કોઈ ઝંખતા સતત પોતિકાઓનો સથવારો
સુખનો સહિયારો દસ્તાવેજ અને દુઃખમાં પામે નિરાંત
એકમેકને હૈયાધારણ ક્યારેક ને ક્યારેક મળે હર્ષાશ્રુ
અનુભવ્યા પછી જ અસહ્ય લાગે, નથી એમાં નિરાંત
વિરહની વેદના વસમી લાગે સૌ કોઈને, અપ્રિય લાગે એકાંત!!
-ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી