Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું.

હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું...

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી.

બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું.

મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે.

નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે.

છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે.

મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું.

પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું.

ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું
અને
કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાંદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું.

હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે...

હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી?

કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી?

હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે
અને
પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો?

આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે?

ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે?

કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે?

ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિ ગર્વ જ સાંભળી મારે માથું દુઃખાડવું પડશે?

ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ
અને
માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ?

ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું.

વેપાર મારી આવડત છે, નબળાઈ નથી.

જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે.
અને
આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે...
ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે.

અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું! જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે, હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું.

હું બોસ છું...
બાપુ, હું ગુજરાત છું.

Gujarati Blog by RajniKant H.Joshi : 111633850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now