સાંતા ક્લોઝ તો
મોટા મોટા ક્લબમાં આવે,
પાર્ટીઓમાં આવે, હોટેલમાં આવે.
બા, તું જ એકાદ રોટલી
ચૂલા ઊપર ચડાવ ને !
બા, એક વાર પાછી આવ ને !
બા, સફેદ મોજામાં
તારા જેવો સ્પર્શ નથી વરતાતો,
રસોડામાં રોજ સવારે ધીમું ધીમું,
એ પણ કેમ નથી ગાતો ?
બા, એને તો ગુજરાતી
પણ નથી આવડતું.
શું કરવી મારે એની સાથે વાતો ?
બા, સાંતા ક્લોઝ તો
ફક્ત ગીફ્ટ આપે છે.
જો શક્ય હોય તો
થોડા આશીર્વાદ પણ
એની સાથે મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !
બા, સફેદ દાઢીમાં
તારા જેવું સ્મિત કેમ નથી દેખાતું ?
એના ખોળામાં માથું મુકવાનું
મન નથી થાતું.
બા, આ બાજુ તલ શીંગની ચીકી
ને મમરાના લાડુ,
ને પેલી બાજુ ચોકલેટની રેલમ છેલ.
બા, આ બાજુ તારા અવાજમાં
હજુ પણ ગુંજતા હાલરડા,
ને પેલી બાજુ જિંગલ બેલ.
કોણ જાણે કેમ
એવું નથી લાગતું કે
મારી ઈચ્છાઓને પાંખો આવી હોય
સફેદ દાઢીમાં પારકા સુખને જાણે
અંગ્રેજી આંખો આવી હોય.
બા, જિંગલ બેલની ટયુનમાં
એકાદ હાલરડું મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !
બા, સાંતા તારા જેટલો ક્લોઝ
તો ન જ આવી શકે.
એના થેલામાં એક વાર
તારી જાતને મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !
-ડૉ. નિમિત્ત ઓઝા.