હું વેદના ત્હેવાર સમજીને મનાવતો હતો
મારી હકીકત એક જણ બાખૂબી જાણતો હતો
દોસ્તો તરફથી લાગણી ઝળહળ થતી ઘણી મળી
ઇશ્વરની એને ભેટ માનીને હું સ્વીકારતો હતો
જેના થકી ઉજળૉ બની ફરતો હતો આ જગમાં હું
મારા હ્રદયમા એમની તકતી લગાડતો હતો
મીરા મળી,રાધા મળી ને પીંગળા મળી અહીં
ભગવા ગુલાબી રંગનું અસ્તિત્વ વાંચતો હતો
મારા ચરણ એની ગલી પાસે જ અટકી જતાં હતાં
ક્યારેક એકલતાને એ બ્હાને હું ટાળતો હતો
મારો અજંપો સમજી શકે,ઔકાત કોઈની નથી
હર એક માણસ દર્દ મારું જોઇ ભાગતો હતો
વેપાર સમજી પ્રેમમાં પડતા નહી,ભલા અહીં
જેને કર્યો,એને કસર માનીને ચાલતો હતો
વાણી સહજ,વર્તન સહજ,એથી વધું શું જોઇએ?
તેથી જ માનવતાને ભાળી સર નમાવતો હતો
તું યોજના દરરોજ મળવાની બનાવતી હતી
એ વાયદાને હું રસમ સમજી હસી જતો હતો
પરછાઇ રૂપે એ "મહોતરમાંનો" સાથ માણતો
પણ રાત પડતા એક ઓળૉ દૂર જાગતો હતો
-નરેશ કે.ડૉડીયા