કવિતાનું કર્મકાંડ થઈ ચૂક્યું છે, લેખો લટકી ગયા છે ફાંસીના માંચડે, શબ્દોની લાગણી લથડીયા ખાઈને આત્મહત્યા કરી ચુકી છે, કલ્પનાઓનું કલરવ કર્કતામાં બદલાય ગયું છે, સપનાઓ સઘળા સળગી રહ્યા છે, અક્ષરના અંગુઠાને અગ્નિદાહ આપી દીધો છે, વાહ વાહીની દુનિયાથી પર થઈ પથ્થર બનીને ઉભેલો હું, વીતેલી કાલનો રિબાતી પ્રજાનો અવાજ હતો.....
નથી કોઈ દર્દ, નથી વિષાદ આ મારા દિલમાં હવે, જે થાય છે એની વેદના નથી, ભલે રક્ત પીપાશું પોતાનું તાંડવ કરતા હોય, ભ્રષ્ટનેતાઓ ભલે આ પ્રજાને લૂંટતા હોઈ, ભલે રોજ યુવાનો સાથે અન્યાય થતો હોય, ભલે ને અનેક ઘરોમાં આગ લગાવવામાં આવતી હોય, ભલે લટકી જતો હોય ખેડૂત કોઈ ઝાડવા નીચે, ભલે અકાળમાં એની હાંસી ઊડતી હોઈ, હું આ તમામ થી હવે દૂર રહેવાનું પસંદ કરીશ.
ન સમજી શક્યા કોઈ વ્યથા મારા હરેક શબ્દની, ન અપમાવી શકતા મને કોઈ, ન સ્વીકારી શક્યા સત્યના સુવિચાર, ન લડી શક્યા જે અન્યાય સામે, ન ઉભા રહી શક્યા જે પોતાના દમ પર, ન હોસમાં રહ્યા જીવતા રહીને, ન તૂટી શક્યા કે ન વિખરાય શક્યા, સદા એ લાચારીમાં લટકતા રહી ગયા, હતા અમે સમજનાર તમામ દર્દ અને એ તડપતા રહી ગયા.
હવે ફરી નહિ આવું હું આ દંભ ભર્યા સ્થાન પર, લાગણીથી લાગણીની જ્યાં કત્લ થાય છે, સપનાઓને હાથમાં તલવાર આપી દે છે અને બંધ આંખે જ્યાં વાર થાય છે, રક્તના ઉબાન બધા શાંત થઈ ગયા, કારણ કે મારી કવિતા હવે મરી ચુકી છે, જેમના લખ્યા દર્દ મેં એટલે જ થતો રહ્યો હું બદનામ, હવે નહિ કહું કોઈને, હવે નહિ સહુ વેદના સમાજની, હવે નહિ લખું આંસુ અન્યાયના, હવે નહિ સળગે આગ શબ્દોમાં, તમામ અંગારને હવે મેં ઠારી દીધા છે, તમામ શબ્દોને મેં હવે મારી દીધા છે. અંત છે આ મારા લખાણનો, મારી લાગણીનો, મારા પ્રેમનો, મારી વેદનાનો, મારી વ્યથાનો.......
મનોજ સંતોકી માનસ