કરોળિયો
ખૂણામાં
સાવ મારી નજર સામે
ક્યારનોય કરામત કરે છે
ખણખોદ કરે છે
પડે, આથડે, વળે, લળે
જડે પોતાને જ પાછો ફરી ફરી
હું નિષ્પલક જોયા કરું
પથારીમાં પડ્યો પડ્યો
તાર સાંધે છે પરસ્પરમાં
આ શ્વાસ અટકે વળી બેઠા થાય
કરોળિયો ઉભો રહે છે
આગળના બે પગ ઉંચા કરીને
લાળ વડે ચિપકાવે દીવાલે એનો તાર
મારી હથેળી એકબીજા સાથે ભેગી કરીને પછી
મૂકી દઉં છું
હતી એમ પથારીમાં
કરોળિયો
મોજમાં જાળની મધ્યમાં
બિરાજે છે મહારાજા શો
પોતાનું સામ્રાજ્ય જોતો અસીમ એને મન
અને હું
પોપચાં બીડી
ઊંડા શ્વાસ લઉં છું
આહ......
- રાજેશ વણકર