રિયુનિયન..
છેલ્લા બે વર્ષથી આવતી એ પત્રિકા હું નજરઅંદાજ કરતી હતી.. એવુ નહોતુ કે મને જવાનું મન નહોતું પણ કંઈ ને કંઈ કામ આવી જતા જવાનુ ટળી જતુ હતુ.. પણ આ વખતે મેં પહેલાથી પ્લાનિંગ કરી લીધુ હતું..
એ દિવસે હું કદાચ સમય કરતા વહેલા પહોંચી ગઈ હતી, હજુ કોઈ આવ્યું જ નહોતું.. બસ એક બે છોકરાઓ હતા.. એમાંથી એક મને હાથ હલાવીને હાઇ કરી રહ્યો હતો, મેં એની સામે ધ્યાનથી જોયું એ જયદીપ હતો.. હું એને અશોકના લીધે ઓળખતી. અશોક, ક્લાસનો હોશીયાર વિદ્યાર્થી. મોટા ભાગે મારા અને અશોકના રેન્ક આગળ પાછળ જ રહેતા. પણ કોઈ દિવસ ઈર્ષ્યાની એક નજર ના તો એણે મારા પર કરી ન મેં.. અમે બંને સારા દોસ્ત હતા.. એ સામાન્ય ઘરનો, સાદગી ધરાવતો હોનહાર વિદ્યાર્થી હતો.. અમારી દોસ્તીનું કારણ કદાચ અમારા બંનેની સાદગી જ હતી.. અને આ જયદીપ એનો ખાસ દોસ્ત..
એ સમયે મને એક નામ વગરની ચિઠ્ઠી મળી હતી, જેમાં કોઈએ મારા માટે પ્રેમ છે વગેરે લખ્યું હતું, હું પહેલેથી ચિંતામાં હતી કે કોણ હોય શકે, એવામાં એક દિવસ રિસેસમાં મેં જયદીપને મારા બેગમાં કંઇક મૂકતા જોયો, એ લવલેટર હતો..! આખા પાના પર શાયરી વગેરે અને નીચે મોટા વળાંક વાળા અક્ષરે લવ યુ લખેલું..! પછી શું હોય મેં તો એની વાત પ્રિન્સીપાલને કરી, જયદીપને બધાની વચ્ચે સાંભળવુ પડેલુ.. એ પછી મને જયદીપ પ્રત્યે અણગમો થઇ ગયેલો.. કદાચ એ અણગમો જ મારી અને અશોકની દોસ્તી વચ્ચે પણ અંતર બનાવી ગયો..
અશોકે ઘણીવાર જયદીપ વતી માફી માંગેલી પણ જયદીપે કોઈ દિવસ માફી પણ ન માંગી.!
આજે આટલા વર્ષો પછી પણ એ વાત મને યાદ હતી, છતાં મેં એની સામે સ્મિત કર્યુ..
થોડી વાર પછી અશોક આવ્યો. સ્કૂલ પછી હું એને પહેલી વાર જોઈ રહી હતી.. સાદગી આજે પણ એનું ઘરેણુ હતી.. ફરક હતો બસ થોડો ચહેરાનો, પંદર વર્ષના એ લીચ્છા ગાલ પર આજે બાવીસ વર્ષની આછી દાઢી મૂછ હતા..
એ મને આટલા વર્ષો બાદ જોઈ ઘણો ખુશ હતો, એની પાસેથી જ જાણવા મળ્યું કે એની સગાઈ હમણાં જ થઈ, મને એની ભાવી પત્નીનો ફોટો પણ બતાવ્યો..
જે પણ રિયુનિયનમાં આવેલા એ બધાએ બોર્ડ પર પોતાના નામ લખેલા, અશોકે પણ આવતા જ બોર્ડ પર love you all લખ્યું અને મને પણ નામ લખવા કહ્યુ.. જયદીપ ત્યાં જ ટેબલ પર બેઠો હતો, હું અશોકે લખેલા love you ને જોઈ રહી, આ તો એ જ વળાંક...!! બાજુમાં ઉભેલ જયદીપ બધુ જોઈ રહ્યો હતો, એણે મને પુછ્યું કંઇ યાદ આવ્યું..?! હું બસ એને એટલુ કહી શકી કે એટલે જ તે કદી માફી માંગી જ નહી.. જવાબમાં એણે કહ્યું કે માફી માંગવામાં એને કંઇ વાંધો નહોતો પણ એ ઇચ્છતો હતો કે અશોક સાચી વાત મને જણાવે., જે અશોક કોઈ દિવસ કહી નહોતો શક્યો..! જયદીપને લઇને જે કડવાશ હતી એ પળવારમાં ગાયબ થઇ ગઇ, બસ એક સાચો મિત્ર દેખાઈ રહ્યો હતો..
જિંદગીના આટલા વળાંકો પછી એ વળાંક પાછળનું સત્ય જાણવા મળ્યું હતું, એના વિશે હવે અશોકને કંઈ પણ ન કહેવાનું મેં અને જયદીપે નક્કી કર્યું..
"ફ્રેંન્ડસ..?!" જયદીપ મારી સામે હાથ આગળ ધરતા બોલ્યો..
હું સ્મિત સાથે "ફોરેવર" બોલી.. સ્કૂલની સાથે જ પૂરી થયેલી એ દોસ્તી હવે આ રિયુનિયન બાદ હંમેશ ચાલવાની હતી..!