ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ
લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ
(ભલું થયું કે મરાયા બહેની મારા કંથ
લાજવું પડત સખિઓમાં જો ભાગી ઘેર આવ્યા હોત)
-હેમચંદ્રાચાર્ય
શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ
પ્રાચીન
કચ્છડો ખેંલે ખલકમેં મહાસાગરમેં મચ્છ
જિન હકડો કચ્છી વસે ઉન ડિયાણી કચ્છ
પ્રાચીન
ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો
મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે
પ્રાચીન
જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર
પ્રાચીન
જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય
પ્રાચીન
જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ
પ્રાચીન
સાચી પ્રીત શેવાળની જળ સૂકે સકાય રે
માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય
પ્રાચીન