એક જંગલ હતુ. આ જંગલમાં એક પથરાળ અને ટેકરીવાળો વિસ્તાર હતો. અમુક ટેકરીઓ પરથી નાનામોટા સુંદર ઝરણાઓ વહેતા. એક ઝરણાના માર્ગમાં કેટલાક જડ પથ્થરો પડ્યા હતા જે ઝરણા માટે મુક્તપણે વહેવામાં અવરોધરૂપ હતાં. આમ છતાં તે ઝરણાએ પોતાનુ પાણી વહેવડાવવાનુ ચાલુ રાખ્યુ. ઘણો સમય આમ વીતતો ગયો. ઝરણાના અવિરત વહેવાથી પરિણામ એ આવ્યુ કે તેના માર્ગમાં પડેલા એ જડ પથ્થરો હવે કોતરાઇ ગયા હતા. પાણીના વેગથી ઘસાઇ ચૂક્યા હતા. આથી ઝરણુ હવે મુક્તપણે વહી શકતું હતુ. આ વાતને પણ ઘણો સમય વીતી ગયો. સમય જતાં આ પથ્થરો પર નાનકડી જીવસૃષ્ટિ નો જન્મ થયો. જન્મ સમયે તો તે જીવોમાં બુધ્ધિનો વિકાસ થયો ન હ્તો પણ સમય જતાં તેમનામાં બુધ્ધિ વિકસી. જ્યારે તે સમ્પૂર્ણ સમજતા થયા ત્યારે તેમને એ વાતની નોંધ લીધી કે “આપણે જે ઝરણાનાં કિનારે વસેલા છીએ તે પથ્થરનો આકાર કેવો અદભૂત છે કે જે ઝરણાના વહેવાના માર્ગને એકદમ સુસંગત અને અનુરુપ છે. જો ઇશ્વરે સમજી વિચારીને આવા અદભૂત આકારના પથ્થરોનું નિર્માણ ન કર્યુ હોત તો આપણે ક્યારનાય આ ઝરણાના ધસમસતાં પ્રવાહથી મૃત્યુ પામ્યા હોત!!” આ જ કારણોસર તેઓ તે ઝરણાને ધિક્કારતા પણ ખરા.
હવે કોણ એ નાદાન જીવોને સમજાવે કે એ કમાલ ઇશ્વરનો નહી પણ તેઓ જે ઝરણાને ધિક્કારે છે તે ઝરણાનો જ છે.