"તો અમે શું કરીએ બે'ન?! "
મારી એક દોસ્ત એક NGOમાં છે.. સારી વક્તા છે, નાના મોટા સેમિનાર કરીને જાગૃતા ફેલાવે છે..
એક દિવસ એનો મને ફોન આવ્યો કે કોઈ ગામમાં એનો નાનકડો સેમિનાર છે, ખેડુતોની આત્મહત્યા રોકવા બાબતે, તો હું પણ એની સાથે ચાલુ.. હવે આપણને કોઈ કલમ આપે તો સામે ચીરી નાંખે એવી ભાષામાં લખી શકીએ, પણ બોલવામાં તો કાયમી મૌનવ્રતધારી..! એટલે મેં એને ના પાડી કેમ કે એના કામમાં હું એને મદદ કરી શકુ એમ નહોતી.. છતાં એને સાથે ચાલવા જિદ કરી..
બીજા દિવસે સવારે અમે એ ગામડે જવા નીકળ્યા, લગભગ અમદાવાદથી ચારેક કલાકનો રસ્તો કાપી અમે ત્યાં પહોંચ્યા.. ગામ કંઈ ખાસ મોટુ નહોતુ, સેમિનારની જગ્યાએ ચાર પાંચ યુવાનોએ થોડી ઘણી તૈયારી કરી રાખી હતી..
મારા ભાગે જે જે લોકો સેમિનારમાં આવે એમનું નામ અને ઉંમર નોંધવાનું આવ્યું હતું.. હું નોટ પેન લઇને ગેટ પાસે ગોઠવાઇ ગઈ..
થોડી વાર થઈ હશે ત્યાં એક વૃદ્ધ આવ્યા.. સફેદ ચોરણી અને સફેદ ડગલો પહેરેલ, માથે ફાંટેલ ફેંટો બાંધ્યો તો, આંખો ઝીણી કરચલી સાથે જડાઈ ગયેલી, હાથમાં કોઈ ઝાડનું લાંબુ લાકડુ ટેકા માટે રાખેલુ.., પગમાં જોડા પહેરેલા પણ એમાં ય અંગૂઠા બહાર નિકળેલા હતા.. ધીમે ધીમે ચાલતા મારી સામે આવી ઉભા રહ્યા..
"સરકાર તરફથી વળતર આપવા આવ્યા છો..? "
(અરે યાર, આ ગામડાના માણસો બસ વળતર વળતર જ કરતા હોય, સરકાર કેટલુ આપે.. ) હું મનોમન વિચારી રહી..
"અમે તો સેમિનાર માટે આવ્યા છીએ.. "
"ધંધાદારીને લાભ આપે છે સરકાર, ખેડુને કંઇ નહીં, આ વરસ ય મોળુ ગ્યુ કંઈ ન મળે.. "
"દાદા રોજ હું છાપામાં વાંચુ છું, ટેકાના ભાવ, રાહત, દુકાળ પેટે રાહત વગેરે કેટલી યોજના બહાર પાડવામાં આવતી હોય છે.. "
"એમ, તો અમે વાંચી નથી શકતા એટલે કદાચ અમને મળતી ય નય હોય..! "
સરકાર જો એક રૂપિયો ખેડૂતને આપે તો ખેડૂત સુધી પચાસ પૈસા પહોંચે એ વાતની તો ખ્યાલ હતી, પણ હકીકત એ હતી કે ત્યાં તો પાંચીયુ ય નથી પહોંચતુ..! છતાં મેં આપેલ સરકારને કિમતી મતનુ માન રાખવા હું સરકારનો સાથ આપતા બોલી કે, "દાદા, આપત્તિ આવે તો એમાં સરકાર શું કરી શકે, એમને તો ધંધાઓનું પણ જોવાનું હોયને.. "
"અમે શું કરીએ બે'ન..? "
જોમજોધ જુવાનીએ ઉપાડેલ ખેતરનું કામ એ દાદાના શરીરે દેખાઈ આવતું હતું, રાતદિવસ એક કરી મહેનત કરતા એ શરીરે સહેજ પણ ભોગવિલાસ કે Lifestyleની કોઈ આશા રાખી હોય એવું દુર દુર સુધી દેખાતુ જ નહોતુ..
મને મૌન થઈ જોઇ એ દાદા ચાલતા થયા, પાછળથી કોઈ ગામનો જ માણસ મને સમજાવી રહેલ કે એ દાદાનો એકનો એક દીકરાએ થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી છે, પછી એ થોડા એવા થઈ ગયા છે..!!
પણ મારા મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, "તો અમે શું કરીએ બે'ન..?? "