ગામડુ..
શહેરમાં વસ્યા છતાં અમારી ગામડાની હરેક મુલાકાત ખુબ ખાસ રહેતી., મુલાકાત કહુ કે વેકેશન કહું.. હા, દર વેકેશનમાં શહેરનો ઠાઠમાઠ ભૂલી અમે ગામડે જવા નીકળી પડતા..
નાનપણથી જ મને ત્યાંનુ આકર્ષણ રહેલુ હતું.. આજે પણ નાનપણની અઢળક યાદો નજર સમક્ષ આવી એ સંસ્મરણો તાજા કરી દે છે..
એ બધી યાદોમાંની એક યાદ છે આરતી..! હું નહીં માતાજીની આરતી.. અમારા ઘરેથી થોડે દૂર આવેલ માં અંબાજીનું મંદિર અને ત્યાંની સાંજની આરતી.. હું દરરોજ દાદા સાથે ત્યાં જતી.. મારા ઘણા બધા દોસ્ત પણ બનેલા, આજે પણ એ બધા યાદ છે, કદાચ મને ભૂલવાની ટેવ નથી.. અમે બધા નગારાની ડાંડી માટે ઝઘડતા, પછી તો વારો રાખેલ કોણ ક્યારે નગારુ વગાડશે.. ગામના દરેક માણસો આરતીમાં સામેલ થતા, ઊંચા અવાજે માં જગદંબાની આરતી ગવાતી.. એ સમયે મને આખી આરતી સ્તુતિ સાથે યાદ રહેલી..
આજે સાંજે એ જ ટાઇમે મેં નગારાનો અવાજ સાંભળ્યો, મન તો બસ નાનકડી આરતીની જેમ કૂદી રહ્યું.. કેટલા વર્ષો પછી માતાજીની આરતીનું નગારુ સાંભળ્યું હતું..! હું મમ્મીને આવુ છું કહી મંદિર તરફ નીકળી પડી..
રસ્તામાં મને ઘણા મારા જૂના દોસ્ત જોવા મળ્યા જે એ સમયે મારી સાથે આરતીમાં ગજબનો રંગ ઉમેરતા હતા, પણ એ બધા એક બાઇકની આજુબાજુ ટોળે વળી મોબાઈલ મચેડી રહ્યા હતા.. આગળ જતા ચોરો આવ્યો જ્યા ગામના વૃદ્ધો બેઠા હતા..
એમના તરફ વધુ ધ્યાન ન આપતા હું મંદિર પહોંચી.. પણ આ શું..?! ન તો કોઈ નગારુ વગાડનાર હતું ન કોઇ ડાંડી માટે ઝઘડનાર..!! ન તો કોઈ જોર જોરથી તાળી વગાડનાર વાળુ હતુ કે ન તો કોઇ ઊંચા સૂરમાં ગાવા વાળુ..! બસ બે સ્વીચમાં બધું જાતે થતુ હતું, એક ઇલેક્ટ્રિક નગારુ અને બીજું આરતી ગાતુ ટેપ...!!
#આરતી