*કબીરા દર્શન સંત કે,l*
*તો આવે સાહબ યાદ ll*
*લેખે મેઁ હૈ સોહી ઘડી,l*
*બાકી કે દિન બાદ ll*
આજ મારે આંગણે રે, સંત પધાર્યા,
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય રે, સંત પધાર્યા - ટેક
સંતના મન એવા કોરા કાગળ જેવા,
નથી ચિતરામણ એમાં કપટી વાચાળ જેવા,
ક્ષીર જેવા ઉજળા મન સંત પધાર્યા,
આજ મારે આંગણે રે સંત પધાર્યા - ટેક
સંતની વાણી જાણે અમરત સરવાણી,
શાંત અને ગંભીર મુરત સોહામણી,
હંસ જેવી ધીમી ચાલ, સંત પધાર્યા,
આજ મારે આંગણે રે સંત પધાર્યા - ટેક
સંતની દ્રષ્ટિમાં કરુણાના ભાવ છે,
સરળ ને સહજ એવા સંતના સ્વભાવ છે,
નિર્મળ ને કોમળ અંતર સંત પધાર્યા,
આજ મારે આંગણે રે સંત પધાર્યા - ટેક
દાસ દીપકના એવા સંતોને વંદન,
પરોપકારી એવા પરદુઃખભંજન,
ધન્ય ધન્ય જીવન થઈ જાય સંત પધાર્યા,
આજ મારે આંગણે રે સંત પધાર્યા - ટેક