મુક્તિ મળે છે જીવને રે,
પામે જો ચાર ઉપકાર મારાં વાલા - ટેક
પરથમ ઉપકાર પરમેશનો રે,
મળવો મનુષ્ય અવતારા મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે......
માનવના દેહને જાણવો રે,
હરિ ઓળખવાનો લાગ મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે......
સંગત થાય સાચા સંતની રે,
તો તો જાણી લેજો જાગ્યા ભાગ મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે.....
બીજો ઉપકાર ગુરુ સંતનો રે,
જાગે પ્રભુ સંગે પ્રીત મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે......
સમજણ આપે સારાંસારની રે,
દર્શાવે ભક્તિની રીત મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે......
ત્રીજો ઉપકાર તે તો મનનો રે,
વહાલી લાગે સાચી વાત મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે.....
અનુભવ જાગે ને ટળે કલ્પના રે,
સત્યપદ થાય સાક્ષાત મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે.....
ચોથો ઉપકાર તે તો આપનો રે,
આપા પર આપ ઓળખાય મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે.....
પરભાત આપ તે પરમાત્મા રે,
બીજું તે માયાનો થાપ મારાં વાલા,
મુક્તિ મળે છે જીવને રે.....