#ચિંતન લેખ...
*વિચારનું સમીકરણ *
મોટાભાગે બધાના જીવનમાં પરિસ્થિતિઓ અલગ અલગ આવતી હોય છે. ક્યારેક સારી આવે તો ક્યારેક ખરાબ. પરંતુ મનમાં વિચારનું સમીકરણ એવું ગોઠવાઈ ગયું હોય છે કે આપણે આપણા મનને સમજાવતા હોય કે વિચારવા તો યોગ્ય જ ઇચ્છતા હતા પરંતુ પરિસ્થિતિ એવી હતી.
ખરેખર આપણી જવાબદારી છે કે કોઈ પણ પરિસ્થતિમાં યોગ્ય રીતે વિચારવું. આપણાં જીવનને ફક્ત સાત દિવસ પાછળ કરીને જોઈએ... શું એ સાત દિવસમાં તમારા જીવનમાં નાની કે મોટી કોઈ એવી પરિસ્થિતિ આવી કે જેમાં મન થોડું ડગી ગયું હોય...! ડગવું એટલે કે થોડુ પરેશાન થવું, થોડુક ઉદાસ થવું, થોડુક અશાંત થવું...
હવે એ દૃશ્ય સામે લઈને આવો. શું થયું હતું ત્યારે ? શું પરિસ્થિતિ હતી? શું કોઈનો એવો વ્યવહાર હતો? અને ત્યારે તમારા મન એ શું કહ્યું હતું? તમારા વિચાર શું હતા? તમારો વ્યવહાર કેવો હતો ત્યારે? હવે એ જ દૃશ્યમાં ચેક કરો કે યોગ્ય વિચાર શું હોવો જોઈતો હતો?
આપણાં મનને શીખવવું જોઈએ કે જીવનમાં જો એવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે યોગ્ય વિચાર શું હોવો જોઈએ... પરંતુ આપણે વિચારવાની રીત જ એવી બનાવી લીધી છે કે આપણે વિચારને પસંદ નથી કરતા પરંતુ પરિસ્થિતિ પ્રમાણે પ્રતિક્રિયાઓ આપીએ છીએ. તો જેવી જીવનમાં પરિસ્થિતિ એવી આપણી પ્રતિક્રિયાઓ. અને જેવી બાબતો જીવનમાં બનશે એવા આપણાં વિચારો બનશે. દા. ત. એમણે મારી સાથે સારી રીતે વાત કરી તો એમના પ્રત્યે ના વિચાર સારા. માન આપ્યું, સન્માન આપ્યું તો વિચારો સારા, પરંતુ જો અપમાન કર્યું તો??? આપણી અવગણના કરી તો??? શું ખરેખર એ વ્યક્તિ વિશે યોગ્ય અને સારા વિચારો આવશે??? અઘરું છે પણ અશક્ય નથી...
બીજાની મજબૂરી નો આપણે ભાગ્યેજ વિચાર કરીએ છીએ. આપણને થયેલ દુઃખ અને અન્યાય વિશે જ કહેતા રહીએ છીએ.કોઈ પણ માણસ તરફથી આપણને દુઃખ પહોંચે ત્યારે એની સ્થિતિ નો પણ વિચાર કરવો જોઈએ...