મારું મૃત્યું
હું મરી રહ્યો હતો.
શિથિલ થઈ ગયેલા મારા ગાત્રો હળવાફૂલ કેમ જણાઇ રહ્યા હશે ?
હું વિચારતો હતો;
આ અસહ્ય પીડા માંથી એકાએક છૂટકારો કેમ થયો ?
આ નિંદ્રા નો અનુભવ તો નથી ને ...
પણ
મારા વિચારો સતત ચાલી રહ્યા હતા.
શ્વાસ લેવા જે હું સતત મહેનત કરી રહ્યો હતો,
એ હવે કેમ આટલા આરામથી લઈ શકાતા હશે!
મને મારો ભાર પણ જણાતો ન હતો.
બધું જ સાંભળતો હતો પુત્ર - પુત્રવધૂની હલચલ,
પૌત્ર-પૌત્રી ના વિસ્મિત નેત્રો
મારા પ્રિય પાત્રની વિહ્વળતા,
હળવું તો ક્યારેક ભારે ક્રંદન ,
કોઈની ભાગ દોડી,
કેમ જાણે,
આ વચ્ચે મારા હોઠો નું હાસ્ય ક્ષણે ક્ષણે વધતું જતું હતું !
હું નિહાળતો હતો આ તદ્દન નવો અનુભવ.
મારા સમીપીઓના કાર્ય ક્લાપો;
મને અર્થ વગરના જણાતા હતા.
કેમ ??
શું હું માંગલ્ય પૂર્ણ મૃત્યુનું રહસ્ય જાણતો હતો?
કેટલીક ક્ષણો પૂર્વે જેની સાથે મમતા થી જોડાયેલો હું ,અત્યારે તદ્દન વૈરાગ્ય અવસ્થામાં !!
આ પરિવર્તન મારા આજીવન તથ્યોનું હતું કે કોઈ નવા જ રસ્તા ના શુભ પ્રયાણે આ થવા કારણે જ હતું ,
ખેર !
મારા શરીરમાંથી કૂતુહલતા પૂર્વક મને નીકળતો હું જોતો હતો.
આસપાસ નજર કરી બધાને જોઈ શકતો હતો,
જે સાંભળવામાં તકલીફ હતી એ પણ દૂર થઈ,
મારા શરીરમાંથી ઉઠેલો હું ફરી શરીરમાં જવાનો વ્યર્થ પ્રયત્ન કરું છું પરંતુ આ શરીર મારા અધિકાર બહાર જતું રહ્યું છે,
આ રુદન મને ભીંજવતું ન હતું;
જે ક્યારેય કોઈ સંવેગો થી ભીંજાતો હતો એમ.
મારા ગાત્રો ફરી ફરીને જોવું છું,
જેમ ફોટો જોતો હોવ તેમ.
આ ભ્રાંતિ હતી કે અનુભવ!
હું નિંદ્રામાં હતો કે તંદ્રામાં હતો !
ન સત્કાર્યો દેખાયા કે ન દુષ્કૃત્યો.
ફક્ત ક્ષણિકતા નો અનુભવ થયો,
દુઃખ સાથે જન્મેલો જીવ દુઃખમાં મરે છે એવું લાગ્યા કર્યું......
મારા શરીરને અગ્નિને સોંપાયું ત્યાં સુધીમાં હું આ શાશ્વત નિયતિને સ્વીકારતો થઈ ચૂક્યો હતો .
મારા અસ્થિ તો ઘડામાં રાખના ઢગલા રૂપે સ્થિર થઈ ગયા,
હુંય ઘરે આવ્યો.
સૌની સાથે.
મારા ફોટા પર ચડાવેલા પુષ્પોને
હું સૂંઘતો હતો .
હું બધાને સાંભળતો હતો........ મારા જીવનના કાર્યો ....લાયકાતો..... સિદ્ધિઓ અને મૃત્યુ ના કારણો પર થતી અરુચિકર ચર્ચા.
હું હજી ફરું છું.....
આસપાસ ,
પણ મને શેમાંય રસ નથી,
ગંતવ્ય ની શોધ થશે નહીં ત્યાં સુધી આમ જ ફરીશ,
આસપાસ .
ગૌરાંગ ત્રિવેદી 'ઢ'
ગોંડલ