:: પશ્ચાતાપ ;;
પ્રદીપ ના બાપુજી નરશીભાઈ ખુબ સારા મિકેનીક. ગમે તે દેશી વિદેશી બનાવટનું ટાઈપરાઈટર મશીન તેમના હાથનો સ્પર્શ થતાં હળવુ ફુલ પાણી ના રેલા જેમ ચાલવા માંડે. ખુબ મહેનત અને કરકસરથી કેટલા વર્ષોની બચત ને ખર્ચી ટાઈપ ક્લાસ શરૂ કર્યો.
પ્રદીપ અને તેનો ભાઈ રાજેશ સ્કૂલ કોલેજ માં જતા થયા સાથે સાથે ટાઈપ ક્લાસે સવાર સાંજ બેસતા થયા અને નરશીભાઈ તેમના ગ્રાહકોના ટાઈપ રાઉટર, કેલ્ક્યુલેટર, લીથો મશીન વિ. ના રીપેરીંગની કામગીરીમાં જ ધ્યાન દેતા. તેમણે પોતાના બંને દિકરાઓને ટાઈપ ક્લાસ માં આવતા વિદ્યાર્થીઓ પ્રત્યે જવાબદારી પુર્વક વર્તવા અને તેમના હિત અને સુરક્ષા ચિંતા કરવી જોઈએ તેવું શીખવ્યું હતું.
પિતાએ આપેલ શીખ પ્રમાણે બન્ને ભાઈઓ ક્લાસ ચલાવતા. ટાઈપ ક્લાસ ખૂબ સારા વાણીયા વેપારી વર્ગના લત્તામાં અને ઉજળિયાત વર્ગના સંતાનો ટાઈપિંગ શીખવા આવતા.
બપોર પછીના ૪-૦૦ વાગ્યાના બેચમાં આવતી પૂર્ણિમા ખરેખર નામ મુજબ જ રૂપ રૂપના અંબાર જેવા વાને નાક નકશી અને સૌષ્ટવે ખૂબ જ નમણી સોડશી વયની ખુલતી કળી જેવી યોવના હતી. તેના પર નજર પડતાં સૌ કોઈ મંત્રમુગ્ધ બની તેને જોયા જ કરતાં.
પ્રદીપ અને રાજેશ પણ ૪-૦૦ થી ૪-૪૫ નો બેચ પૂર્ણ થાય તે પહેલાં ક્લાસ પર પહોંચી જ જાય. બન્ને એકબીજા થી નજર ચૂકાવીને પૂર્ણિમા ના ઉજાસમાં આંખની ઠંડક પામવા, તેનું ટાઈપિંગ ચકાસવા અને શક્ય બે વાત કરવા મથતા રહેતા. બેચના આગળ પાછળ ના સમયમાં રસ્તામાં ભેટ કરી લેવાના પ્રયત્નો કરતા. આ બધામાં ક્યારેક અડચણ પડતા મોટા ભાઈ નાનાને ટોકે અને એક તરફ કરી દે.
ધીમે ધીમે બન્ને ભાઈઓમાં ચણભણ વધવા લાગી. શૈક્ષણિક વર્ષ પુરું થતાં પહેલાં રાજેશ પૂર્ણિમા ને તેના વાલીઓની જાણ બહાર જ આબુ ફરવા લઈ ગયો. ખુબ શોધ ખોળ, શાળા કોલેજ બન્ને ના મિત્ર વર્તુળમાં કર્યાં પછી બન્ને ની ભાળ મળી. સમાજમાં પોતાની આબરૂ બચાવવા પૂર્ણિમા ના પિતાએ કાયદેસરના કોઈ પગલાં લેવાનું માંડી વાળ્યું અને અમુક સમય ગુપચુપ વિતાવ્યા પછી પૂર્ણિમાનો સ્નાતક સુધીનો અભ્યાસ પણ પૂરો થાય તે પહેલાં તેનું તેમની જ્ઞાતિનો જ મુરતિયો શોધી લગ્ન કરાવી પોતાના કુટુંબ ની આબરૂ જાળવી રાખી.
નરશીભાઈ એ લોહીપાણી એક કરી ઉભી કરેલ ટાઈપ ક્લાસ ની શાખ ધોવાઈ ગઈ. સંસ્કારી ઉજળિયાત વર્ગના લોકો પોતાના સંતાનોને આ ક્લાસ માં મોકલતા બંધ થઈ ગયા. ના છૂટકે ટાઈપ ક્લાસ બંધ કરવાનો સમય આવ્યો. પ્રદીપ નો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો થયો હોય તે ક્લાર્કની નોકરીમાં લાગી ગયો અને રાજેશનો અભ્યાસ પૂરો થયો નહીં અને કારખાનામાં મજૂરી કામે લાગ્યો. આવા ઘટનાક્રમોનો નરશીભાઈ ને જબરો આઘાત લાગ્યો, તેઓ પહેલા પક્ષધાતનો શિકાર બન્યા અને બાદમાં હ્રદય રોગના હુમલામાં એકાદ વર્ષના ટૂંકા ગાળામાં મરણને શરણ થયા. પ્રદીપ અને રાજેશ બન્નેને પશ્ચાતાપની આગમાં દાઝતા ભૂતકાળને તેમાં હોમી વર્તમાન અને ભવિષ્ય ની પગદંડી કાંટાળી ન બને તેની ચીવટ રાખતા શીખવાના પ્રયત્ન માં લાગી ગયા.