*ગઝલ - જાતને*
➖➖➖➖➖➖➖➖➖➖
એકલી પડવા દીધી છે જાતને,
જઈ શકે છે, છૂટ આપી, જા.. તને.
ખૂબ સમજાવી હતી કમજાતને!
જિંદગી રોકી શકી છે મોતને?
હો પ્રસિદ્ધિ તોય એ શું કામની?
સૂર્ય અજવાળી શક્યો કયાં રાતને?
માનવાના છે જ નહિ અક્કડ મગજ,
પ્રેમથી વાળી લીધી મેં વાતને.
સ્વર્ગવાસી થઈ ગયા એ થઈ ગયા,
શું ફરક પડશે જમાડી નાતને?
ન્યાયનો પર્યાય ઇશ્વર એકલો,
છોડ ને, આ પારકી પંચાતને.
જેટલી છે એટલી તાકાત કર,
ભૂલતો ના ખુદની તું ઓકાતને.
એ ક્ષણે જીતી જશે તું યુદ્ધને
જે ક્ષણે વિસરી જશે તું મ્હાત ને.
થાય ના એના સમું અર્પણ કદી,
"દીપ" તો બાળીને બેઠો જાતને.
➖➖➖➖➖➖➖➖➖
🏵️ *દીપકસિંહ સોલંકી,"દીપ"