....સમયની સાથે....
આમતો હું રોજ સમયની સાથેજ હોઉ છું,
સમય સરકીજાય તો પણ, હું અહિંજ હોઉ છું.
સમય શું છે ? શ્વાસોની ગૂંથણી કે ક્ષણોની ?
લિંટની જેમ વહેતી ક્ષણો ને લુંછતો હોઉ છું.
બંધિયાર રહેવું નથી ગમતું સમયના વહેણને,
ને, હું સામાપુરે તરાપો લઇને તણાતો હોઉ છું.
વિજ્ઞાનની સફળતામાં કેટલો અધુરો માનવી !
ને, હું આંખો બંધ કરી હું નો પ્રશ્ન શોધતો હોઉ છું.
હું સરકું છું કે આ સમય ? એ પણ એક પ્રશ્ન છે,
સમય સનાતન છે, તો હું પણ સનાતન હોઉ છું.
માનવ છું એટલે જ મહેચ્છાઓમાં પાંગરવું છે,
ગયેલા દર્દને ભેંસની જેમ, હું વાગોળતો હોઉ છું.
અપૂર્ણ જિજિવિષા ને ગણત્રી કરનારો સમય છે,
ને હું ઘડીયાલના લોલકની જેમ ઢસડાતો હોઉ છું.
હવેતો તું આ સમયની ક્ષણોને સમજીજા ‘સ્વજન’,
ધ્યાનસ્થ બનીને જગતને અલવિદા કહેતો હોઉ છું.
....સ્વજન.....