અનાદિમુક્ત નારાયણમામાની દિવ્યવાણી-3
અમૃતસરિતા-૩, અનુવાદ-૧૩
15:15 થી 18:02 | વિડિયો
ટૂકડો-૭નો લેખ
પરમાત્માને મેળવવા હોય તો સંત પાસે જવું પડશે. કારણ કે સંતે પ્રભુની પ્રાપ્તિ કરેલી છે. એની મહત્વાકાંક્ષા પૂરી થઈ ચૂકી છે. માટે પ્રભુને પામવા માટે આ મનુષ્યજન્મ છે એ યાદ રાખવું. આ જન્મે પ્રભુને મેળવવા માટે થોડો પ્રયત્ન કર્યો હોય તો એ જરૂર ઊગી નીકળશે, પણ બીજો જન્મ ધરવો પડશે. અને ત્યાંથી શરૂઆત કરવી પડશે. એ કરતાં સંત મળે તો તરત જ ન કરી લઈએ? જેથી આ જન્મે જ પાર આવે.
બ્રહ્માનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે મરવું એટલે શું? તો સ્વામી બોલ્યા, ‘મરના મરના સૌ કહે, મરી ન જાને કોઈ, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોય.’ એનું નામ મરવું. મરીને જો ફરી જન્મ લેવાનો હોય તો એ મરી જાણ્યું ન કહેવાય. એ મૃત્યુ પામ્યો ન કહેવાય. એને મરતાં આવડ્યું નહિ. મરવું તો એવું મરવું કે ફરી જન્મ ન ધરવો પડે. એનું નામ સાચું મૃત્યુ, એવું મૃત્યુ પામીએ કે કોઈ કહે કે...એનું મૃત્યુ ભવ્ય થયું.
ભવ્ય મૃત્યુ એનું નામ કે ફરી જન્મ ન આવે તો એ ભવ્ય મૃત્યુ કહેવાય. ત્યારે મૃત્યુની એ વ્યાખ્યા છે. મૃત્યુ એ સૌથી સરસ ઘટના છે, પણ ક્યારે? કે જ્યારે ફરી જન્મ ન આવે ત્યારે. તો ફરી જન્મ ન આવે એવી સ્થિતિ થાય ત્યાં સુધી મૃત્યુને દૂર રાખવાનું. મૃત્યુને પાસે નહિ આવવા દેવાનું. પ્રભુની પ્રાપ્તિ કરવામાં પોતાની આળસે કરીને જો ચલાવે રાખે તો મૃત્યુ દૂર નહિ જાય.
પણ જો આપણને પ્રભુપ્રાપ્તિ માટેની સાચી આકાંક્ષા હોય તો મૃત્યુ છેટે રહેશે. આપણને તક આપશે પ્રભુને ભજવાની. પણ બોલીએ અને કરવા ન માંડીએ તો મૃત્યુ રાહ જોતું નથી. માટે આ મનુષ્ય જન્મની એકે એક પળ અમૂલ્ય છે. મૂલ્યવાન છે. એના તુલ્ય કોઈ મૂલ્યવાન વસ્તુ નથી. એ અમૂલ્ય છે.