👉 પ્રેમ શબ્દ સાંભળતા જ દિલમાં ગુડગુદી થવા લાગે . અઢી અક્ષર છે પણ ભલભલા પથ્થરને ઓગળી નાખે . પ્રેમની શુ વ્યાખ્યા હોઈ શકે ? મને ખબર નથી પણ એટલું તો ચોક્કસ છે કે કોઈપણ સંબંધના બંધારણમાં એ પાયામાં હોઈ છે . ઇશ્ક , મહોબત , પ્રણય , લવ , ઉલફત આ તેના અલગ અલગ ભાષામાં અલગ અલગ નામ છે પણ લાગણી તો એક જ છે .
આજે આ શબ્દને ફક્ત એક જગ્યા પર જ વાપરવામાં આવે છે . બે યુગલો વચ્ચેના સંબંધમાં . પ્રેમ ક્યારેય કોઈ બંધનમાં હોતો જ નથી . આપણે આજે એની સંકુચિત વ્યાખ્યા બનાવી નાખી છે . એ વિશાળ છે સૃષ્ટિના સર્જન સાથે આવેલી અમૂલ્ય બક્ષિસ છે . ત્યારે ક્યાં જનજીવન હતું જ .
બે યુગલના પ્રેમ પર અસંખ્ય પુસ્તક , કવિતા , ગઝલ અને શાયરીની રચના કરવામાં આવી છે . એ જ પ્રેમને અહીં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે . અહીં પ્રેમ બોલતા જ લોકોના માનસપટ પર કોઈ યુગલની લવસ્ટોરી આવી જાય છે . પણ એવું નથી પ્રેમ કોઈ યુગલમાં સંકુચિત નથી .
એક નાના શિશુને માતાના ઉદર માંથી લઈ તરુણાવસ્થા , કિશોરાવસ્થા , યુવાવસ્થા કે અંત સુધી કે એના અંત પછી પણ એનો ખાલીપો મહેસુસ થાય , એને સ્મરણવામાં આવે એ પણ પ્રેમ છે . કોઈ વિદ્યાર્થીને ન આવડતા સવાલ કે આપેલ ગૃહકાર્ય ન કરેલ હોઈ અને માસ્ટર સાહેબ શિક્ષા કરે એ પણ પ્રેમ છે .
પોતાના પરિવારના પ્રેમને સાથે લઈ પોતાના દેશ માટે જે યુવાન રાત દિવસ ઠંડી , તડકો કે વરસાદમાં સતત સરહદ પર પહેરો ભરે છે . શત્રુની ગોળી ક્યારે આવશે અને પોતાને વીંધી નાખશે , છતાં પર ચહેરા પર એક સંતોષનું સ્મિત રાખે એ પણ પ્રેમ છે . બગડતા જતા સમાજ માટે જે સંત રાત દિવસ એક કરી અનેક સદકાર્ય કરી દેશની સભ્યતા અને સંસ્કૃતિ નો પ્રચાર કરે છે . એ પણ પ્રેમ છે .
હાડી રાણી પોતાના પતિને પોતાનું મસ્તક આપે , એક નાના ચેલયાને એક ઋષિને જમાડી દે , કોઈ દધિચી બ્રહ્માડની રક્ષા કાજે પોતાના હડકાનું દાન કરે , કોઈ નચિકેતા યમરાજ સાથે ગોષ્ટિ કરે . કોઈ સાવિત્રી યમરાજ સામે બાથ ભીડે , કોઈ શબરી વરસો થી રામની રાહ જોવે , કોઈ મીરા રાજમહેલનો વૈભવ ત્યજી વૈરાગણ બને , હેમરાજની માતાજી પોતાના પૌત્રને દેશ માટે અર્પણ કરે , કોઈ લાલબહાદુર દેશ ખાતર સાદગીથી જીવે , કોઈ સાવરકર 23 વરસ જેલમાં રહે , કોઈ ભગતસિંહ 23 વર્ષે ફાંસી પર ચડે , કોઈ શિબિરાજ ગીધ ને પોતાનું માંસ ધરે , આ બધામાં પ્રેમ છે . જેની યાદી બનાવી તો વરસો લાગી જાય .
કોઈ તાજમહેલ જ પ્રેમ ની નિશાની નથી , હરેક ઘરના આંગણામાં જે તુલસીનો છોડ છે , એક કાલીઘેલી ભાષા બોલતી દીકરી છે , એક ગાયમાતા છે જેની પૂજા રોજ થાય છે , વિરોને જ્યાં ફાંસી આપી હતી એ તમામ તખ્તા મારી નજરે તાજમહેલ થી ખૂબ મોટી પ્રેમની નિશાની છે .
આટલું લખવાનો મારો ધ્યેય એટલો જ છે કે પ્રેમ શબ્દ ને ક્યારેય સંકુચિત માનવો નહિ . એ વિશાળ છે અને અવિરત છે . તે નજર કરો એટલે જોવા મળે છે . બસ દ્રષ્ટિ હોવી જોઈએ એ જોવા માટે .
✍️મનોજ સંતોકી માનસ✍️