મારા માટે મનગમતી ક્ષણો એટલે પોતીકા વ્યક્તિઓના નિઃસ્વાર્થ પ્રેમ નો અવિરત વરસાદ. હજુ માંડ માંડ એક બે ડગલાં ચાલતા આવડ્યું હોય ત્યાં જરાક અમથું વાગી જાય ને આપણા બોલાવ્યા પહેલા મમ્મીએ ઊભાં કરીને ફુંક મારી ને ફરી વ્હાલથી દોડતાં કરી દીધા હતા એ યાદ.મનગમતી ક્ષણો એટલે પોતાના માટે કંઈ લેવા ભેગા કરેલાં પૈસામાંથી પપ્પાએ અપાવેલ મનગમતી ગેમ. મનગમતી ક્ષણો એટલે નાનો હોવાં છતાં પોતાની પોકેટમની ના પાઈ પાઈ ભેગા કરીને તેમાંથી ભાઈ એ લાવી આપેલ ભેંટ. નાની અમથી વાતમાં મોટો ઝઘડો કરી લીધા પછી પણ એકબીજાને સાથે જમવા બોલાવતા ભાઈ બહેન કે મિત્રો. મનગમતી ક્ષણો એટલે પ્રથમ દ્રષ્ટિએ જ મનમાં વસી ગયેલા પ્રિયતમની હકારસુચક મુગ્ધ સ્માઈલ. ભીડ પડ્યે વણ બોલાવ્યે મદદ માટે દોડી આવતા મિત્રોનો સાથ.મનગમતી ક્ષણો એટલે લગ્ન પછી પ્રથમ વાર રસોઈ બનાવતી વખતે અચાનક જ બાહુપાશમાં જકડી લેતાં પતિ નો સ્પર્શ..ક્યારેક બહાર જતાં કોઈ અસહાય ધ્રુજતાં ઘરડાં માજીને હાથ ઝાલીને રસ્તો પાર કરાવી આપીએ ત્યારે મળતા એના અંતર નાં આશીર્વાદ. મનગમતી ક્ષણો એટલે નાની નાની વાતો માંથી મળતી આવી અગણિત ખુશીની પળો અને તેમને યાદ કરતા જ મળતો સુખદ અનુભવ....