ક્યારેક ખુદને ગમતું લખાય જાય છે. ત્યારે એ વારંવાર વાંચવાની તાલાવેલી ઉત્તપન્ન કરે છે. મારી સેંકડો કવિતાઓ, અનેક શાયરી અને સેંકડો લેખો કે જે ચાર પાંચ વાર્તા લખી એમાંથી મને અમુક રચના ખૂબ ગમવા લાગી છે. હા, તમામ રચના દિલથી જ લખી છે. છતાં પણ અમુક રચના મને નજીક લાગી રહી છે. એ રચનાઓમાં હું સજીવન છું.
લોકો મને જે રચનાઓથી ઓળખતા થયા એથી અલગ પણ હું છું. માત્ર રાજનીતિ અને વ્યંગ સુધી હું સીમિત નથી કે હું એ લખવા માટે બંધાયેલ નથી. કઈક ઊર્મિઓ અને કંઈક દર્દ કે કંઈક પ્રેમની પાંદડી પર હું પણ મહોબતનું નામ લખું છું. હા, ચોક્કસ રાજનીતિ પર લખું એ મારી પહેચાન હોઈ શકે, પણ ભીતર પણ એક ખુશનુમા શાયર ખુદને લખી રહ્યો છે.
શબ્દના સંસારનું સર્જન ક્યારેય એક પાયા પર નથી થતું. હા, હું વ્યાકરણ અને જોડણી થી અજાણ છું. છંદોની હોળમાં મેં ક્યારેય કવિતા ને દાવ પર નથી મૂકી. જે કઈ લખ્યું એ મેં જે જોયું એ લખ્યું. હું જે જીવ્યો એ લખ્યું છે. મેં જે જાણ્યું એ લખ્યું. હું જેમાંથી પસાર થયો એ લખ્યું.
ખૂબ પગદંડી કરી છે શબ્દો ને બદનામ પણ સાહિત્ય જગતમાં એટલો થયો છું. મને ફિકર નથી કે હું બદનામ થયો. રસ્તા પર ચાલ્યો જઉં છું અને કોઈ પાછળ થી કોઈ બોલે, " કવિ મનોજ સંતોકી માનસ". હું ઓળખતો પણ નથી હોતો. પણ ત્યારે મહેસુસ કરું છું લોકો મારા શબ્દોથી ઓળખતા થયા છે. બસ એ જ મારી માટે કાફી છે.
હા એક કવિ સંમેલન નો એક હિસ્સો બન્યો હતો રાજકોટમાં. ત્યારે સાહિત્યની કૃશ થયેલી દશા જોઈ હતી મેં . એક મંચ પર 44 કવિઓ અને માઇક માટે પડાપડી થઈ હતી. ટોળાશાહીમાં વિલિન થયેલ સાહિત્ય ક્યારેય લોકશાહીના ચીરહરણ પર ચર્ચા ન કરી શકે. મેં જે કઈક લખ્યું એનાથી હું ખુશ છું અને સમય મળે તો આગળ પણ લખતો રહીશ...
મનોજ સંતોકી માનસ