આજે ભારતીય વાયુસેના દિવસે વિમાન શબ્દ જોઈ ખુશી થઈ. નાનાં હતાં ત્યારે વિમાન એટલે એક નવાઈની વસ્તુ. વિચારી વિચારીને થાકી જતા પણ એ ખબર ન્હોતી પડતી કે આ આકાશમાં આમ અદ્ધર ઊડે છે કેવી રીતે? ધીમે ધીમે ખબર પડવા માંડી કે વિમાન કેવી રીતે ઊડે છે. હવે નવાઈ નથી લાગતી. પણ આજે પણ કેટલા બધાં એવા છે કે જેમને માટે રિક્ષામાં બેસવું પણ સપના જોયા બરાબર છે, વિમાન તો દૂરની વાત રહી.
આજે માનવીને જરુર છે પોતાનાં મનમાં વિમાનગતિએ આવતાં વિચારો પર કાબુ રાખવાની. મનનું વિમાન એટલું ઝડપથી ઊડે છે કે માનવીને ખબર જ નથી પડતી કે આ વિચાર અમલમાં મૂકવા લાયક છે કે નહીં. પરિણામની ચિંતા કર્યા વગર જ જયાં સ્વાર્થ દેખાય ત્યાં આજનો માનવી વિમાનગતિએ દોડી જાય છે. નિઃસ્વાર્થભાવે કરાતી સેવા તો આજે દેખાતી જ નથી, અને જેઓ કરે છે તેમને ફોટા પાડ્યા વગર ચાલતું નથી.
હું તો એટલું જાણું કે અંતે તો આ આત્માએ ઉપરથી આવેલ વિમાનમાં બેસીને જતા જ રહેવાનું છે, તો સાથે લઈ જવાતા સામાનમાં શકય એટલાં પુણ્ય કાર્યો લઈ જઈએ.
#વિમાન