આ તમારું છે. આવી ભાવના આજે છે ખરી? મને તો નથી લાગતું. સાચા મનથી કોઈ પોતાનાં હક્નું જતું કરે અને એમ કહે કે લો આ તમારું છે તો એ વ્યક્તિ ધન્ય છે. આજે જ્યારે બધાં એકબીજાનાં પગ ખેંચવા માટે તૈયાર હોય છે ત્યારે જતું કરવાવાળું કોઈ મળે એ જ દુનિયાની આઠમી અજાયબી.
જ્યારે મનમાંથી મારું તમારું નીકળી સહિયારુંની ભાવના આવશે ને ત્યારે જ સાચી પ્રગતિ થશે. મનમાં જયાં સુધી મારું મારું થશે ત્યાં સુધી કોઈની પણ સારી વાત ગમશે જ નહીં. મારા જેવું સરસ કામ તમારું હોઈ શકે જ નહીં. બસ અહીંથી જ સંબંધો બગડવાની શરૂઆત થઈ જાય છે. ગમે એટલો સારો સંબંધ હશે, તૂટી જ જશે જો સમયસર મારું તમારું છોડીને સહિયારું ન કર્યું તો.
તમે જોશો તો જેટલી પણ સંસ્થાઓ છે જેમાં કર્મચારીઓ નોકરી કરે છે ત્યાં ભાગ્યે જ કોઈ કર્મચારી એવો હશે કે જે તમારું કામ કરી આપશે. જો તમારું કામ સારું હશે ને, એનાથી તમને ઘણો મોટો ફાયદો થવાનો હશે તો તો કોઈ પણ સંજોગોમાં તમારો સહકર્મચારી તમારું કામ નહીં જ કરે, સિવાય કે એ સેવાભાવી હોય.
ઘણી વખત બધાએ અનુભવ્યું હશે કે તમે કોઈ નવી સંસ્થામાં જોડાઓ તો ભાગ્યે જ કોઈ તમને પ્રતિભાવ આપશે. તમને કોઈ બાબતમાં સમજ નહીં પડતી હશે અને પૂછવા જશો તો જવાબ એમ જ મળશે કે આ મારું કામ નથી, તમે કોઈ બીજાને પૂછો અથવા તો એમ કહેશે કે આ તમારું કામ છે તમે જ કોઈ રસ્તો શોધી લો.
તમે જ્યારે તમારું કામ કરાવવા માટે કોઈને લાંચ આપો છો કે કોઈ લાલચ આપો છો ત્યારે અનાયાસે જ એ વ્યક્તિનાં મનમાં લાલચનાં બીજ રોપી દો છો. આમ કરવાથી તમારું કામ તો થઈ જશે પણ જે વ્યક્તિની આમ કરવાની પરિસ્થિતી નહીં હશે તેનું કામ ક્યારેય નહીં થશે.
કેટલીક વાર એક વ્યક્તિ બીજી વ્યક્તિને, "આ તમારું કામ નહીં તમે રહેવા દો." એમ કહીને એનું સ્વમાન ભંગ કરતાં હોય છે. જ્યારે તમને એમ લાગે કે કોઈ વ્યક્તિ કોઈ કામ કરી શકે એમ છે પણ કોઈ કારણોસર એ પાછો પડે છે અથવા તો એ લઘુતાગ્રંથી અનુભવે છે તો સૌથી પહેલું તમારું એ કર્તવ્ય છે કે તમે એને પ્રોત્સાહિત કરો અને એની અંદર રહેલી ક્ષમતાને બહાર કાઢો. એને અનુભવ કરાવો કે તારી પાસે ખૂબ જ સારું કૌશલ્ય છે, તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર. તમારું માત્ર એનાં પ્રત્યેનું હકારાત્મક વલણ જ એનું પચાસ ટકા કામ કરી દેશે. પછી બાકીનું તો એ સાચવી જ લેશે.
દરેક વખતે મારું તમારું કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. ક્યારેક આપણું સમજી પણ કામ કરવું જોઈએ.
#તમારું