આજે જ્યારે પ્રેમ અને લાગણીઓ જ કામચલાઉ અને દેખાડો કરવા પુરતી રહી ગઈ છે ત્યારે વસ્તુઓની તો વાત જ શી કરવી? આજ કાલ તો લોકો સંબંધ પણ કામચલાઉ રાખતાં થઈ ગયા છે. પોતાનું કામ કરાવવાનું હોય એટલે આગળ પાછળ ફરે અને જેવી ગરજ સરે કે સંબંધ માત્ર નામ પુરતો અથવા પૂર્ણ.
જયાં ફાયદો દેખાતો હોય ત્યાં જ આજનો માનવી કંઈક બોલવાની કોશિશ કરે છે, નહીં તો કોઈની સામું ય નથી જોતો. હવે તો દુકાનોમાં વસ્તુઓ પણ કામચલાઉ મળે છે. કોઈ પણ દુકાનદાર વસ્તુ લાંબો સમય ટકશે એની ખાતરી આપતો નથી.
પહેલાં લગ્નપ્રસંગો દરમિયાન મોંઘા અને ભારે કપડાંની ખરીદી થતી, જ્યારે હવે તો લગ્નમાં પહેરવાના કપડાં પણ કામચલાઉ ધોરણે ભાડેથી મળે છે.
ભગવાનનાં મંદિરમાં ભક્તિ પણ કામચલાઉ થાય છે. જ્યારે કંઈ માંગવાનું હોય છે ત્યારે જ અચાનક ભક્તિભાવ જાગી ઊઠે છે. બધાં એવા નથી હોતાં પણ મોટા ભાગે મંદિરમાં દર્શન ઓછાં અને માંગણી વધારે થતી હોય છે.
માત્ર પરીક્ષાલક્ષી જ તૈયારી કરીને આજનું ભણતર પણ કામચલાઉ થઈ ગયું છે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કામચલાઉ ધોરણે જ કરે છે અને પરીક્ષા પૂર્ણ થયે બધું ભૂલી જાય છે.
એટલું જ સમજાય છે કે કામચલાઉ ધોરણે કરેલ કોઈ પણ કાર્ય લાંબો સમય સુધી ફ્ળ આપતું નથી. અમુક સમય પછી એનું ફ્ળ નાશ પામે છે અને અંતે બધી મહેનત ફરીથી કરવી પડે છે.
#કામચલાઉ