બાળપણ અને રમતો
***********
બાળકો એટલે રમતીયાળ. દરેક પેઢીએ રમતો બદલે છે. 100 વર્ષ અગાઉ છોકરા છોકરીઓ શું રમતાં એ ખાસ ખ્યાલ નથી આવતો. કૃષ્ણ, પાંડવો ગેડી દડે રમતા. આજે 60 ઉપરની પેઢી બાળપણમાં મોય દાંડીયો, ભમરડો, લખોટા જેવી રમતો રમતા. સાતતાળી, ચોર પોલીસ અને થપ્પો જેવી દોડવા અને ચપળતાની રમતો પણ રમાતી. છોકરીઓ કુંડાળા કે દોરડાં કુદ જેવી રમતો રમતી.
આજે બધા કહે છે કે બાળકો વીડિયો ગેઇમ સિવાય બીજું રમતાં નથી. ચપળતા અને અમુક ચેસમાં જોઈએ તેવી બુદ્ધિ અને નિર્ણયશક્તિ સારી વિડીયોગેઇમથી પણ ખીલે જ છે.
જ્યાં મેદાનો નથી, ઘરોનાં આંગણા લુપ્ત થઈ ગયાં છે ત્યાં મોયદાંડીયો કે ક્રિકેટ તો રમવા જગ્યા જ નથી. ટાવરની ફ્લેટસની હોટેલના રુમ્સ ની હાર જેવા ફ્લેટસની હાર વચ્ચે થપ્પો કે ચોરપોલીસ વધુ સારું રમાય પણ અવાજ થાય. એટલે આજનું બાળક વીડિયો ગેઇમ સિવાય રમી શકે તેમ નથી અને એનાથી એ બાળસહજ આનંદ લૂંટી શકે છે. ઘરના સ્માર્ટ ટીવીમાં પણ ગેઇમ મોડ આવે છે. વર્ચ્યુઅલ રિયાલિટી પણ ઉપલબ્ધ છે જેમપુરતી કલ્પનાશક્તિ, ફેન્ટસી નો ઉપયોગ થાય છે. તેમાં કશું ખોટું નથી. 200 વર્ષ પહેલાના પૂર્વજ જીવતા થાય તો પેલી લખોટા કે મોય દાંડીયો રમત માટે 'આજકાલના છોકરા ' બીજી રમતો નથી રમતા એમ કહે.
દર સમયગાળામાં રમતોનો પ્રકાર બદલાય છે.
માત્ર વિડીયોગેઇમ્સ સાથે જગ્યા ગોતીને પણ અર્ધો કલાક બીજાં બાળકો સાથે શેરી ક્રિકેટ, જુનાં સાતતાળી કે નદી પર્વત (જેમાં દાવ લેનાર કહે તેમ કૂદીને ઊંચી કે નીચી જગ્યાએ ઉભી જવાનું હોય ન ઉભે તે આઉટ) કે બીજી શારીરિક કસરતો ધરાવતી રમતો જે મર્યાદિત જગ્યામાં રમી શકાય તે રમવી જોઈએ. વાલીઓએ તેને ઉત્તેજન આપવું જોઈએ. સોસાયટીના અને ટાવર્સ ના કોમન પ્લોટ નજીક તેવી જગ્યા ખાલી રાખવી જોઈએ, માત્ર જિમ નહીં. બાળક બીજાં બાળક સાથે મળી રમે તે ગ્રુપ અને ટીમ બિલ્ડીંગ અને સામાજિક એટીટ્યુડના વિકાસ માટે પણ જરૂરી છે.
રમત દ્વારા જ તંદુરસ્ત શરીર, મન વાળાં બાળકો ને એથી એવો સ્વસ્થ, પડકારોને પહોંચી વળે તેવો ભાવિ સમાજ તૈયાર થઈ શકે.