જીંદગી જીવીએ છીએ તો સંઘર્ષ તો કરવો જ પડશે. માનવીનાં જીવનમાં સંઘર્ષની શરૂઆત જન્મથી જ થઈ જાય છે. જન્મ લેતી વખતે એની માતાનાં સંઘર્ષ અને એનાં પોતાનાં કર્મોને આધારે જન્મ સરળતાથી કે સંઘર્ષથી થાય છે. ત્યાર પછી શરુ થાય છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ. કેટલાંકનું જીવન એકદમ સરળ હોય છે અને કેટલાંક આખી જિંદગી સંઘર્ષ કરે છે જીવવા માટે.
જો કોઈ પોતાનો ધંધો ધરાવતો હોય તો અન્ય સાથે સ્પર્ધા કરીને પોતાનો ધંધો વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તેણે સંઘર્ષ કરવો પડે છે. કેટલાંક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે સંઘર્ષ કરવો પડે છે. કેટલાંક લોકોએ બે ટંકનું ખાવાનું મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. કેટલાંક બાળકોને ભણવાની તીવ્ર ઈચ્છા હોવાં છતાં આર્થિક પરિસ્થિતિને લીધે ભણવા માટે સંઘર્ષ કરવો પડે છે.
સંઘર્ષ માત્ર મનુષ્યોએ જ નથી કરવો પડતો, પ્રાણીઓએ પણ કરવો પડે છે. જે રીતે જંગલો ઘટતાં જાય છે, વન્યજીવોએ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. પ્રદુષણને લીધે વાતાવરણ ગરમ બન્યું છે ત્યારે શીત પ્રદેશોમાં રહેતાં પ્રાણીઓને માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. ખોરાક મેળવવા માટે પણ એમણે સંઘર્ષ કરવો પડે છે. કેટલાયે પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થવાનાં આરે છે.
વૃક્ષો ઓછાં થવાને લીધે જમીનનું બંધારણ પણ ખોરવાયુ છે. જમીન પાણીનો સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં નથી. એટલે જ આટલો બધો વરસાદ હોવા છતાં પણ પાણીની સતત તંગી વર્તાય છે. જો હજુ પણ પર્યાવરણ પ્રત્યે કોઈનું ધ્યાન ન ગયું અને કોઈએ તેનું જતન કરવાની જવાબદારી નહીં લીધી તો ભવિષ્યમાં પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.
અંતે, આપણાં જીવનમાં આવતાં સંઘર્ષોમાંથી કેટલાંક કુદરતી હોય છે, કેટલાંક માનવસર્જિત અને કેટલાંક આપણાં કર્મોને આધિન.
#સંઘર્ષ