મજા જિંદગી છે હસીને હસાવો ,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો
વહી જાય તો કાળ પાછો ન આવે ,
લઈ લોને જીવન તણો સર્વ લ્હાવો.
અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે ,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.
જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો ,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો .
ભરી છે મજા કેવી કુદરત મહીં જો ,
જિગર - બીન એવું તમેયે બજાવી.
ભૂલી જાઓ દુ:ખોને દર્દો બધાંયે ,
અને પ્રેમ - મસ્તીને અંતર જગાવો.
ડરો ના , ઓ દોસ્તો ! જરા મોતથીયે ,
અરે મોતને પણ હસીને હસાવો.
~ભાનુશંકર વ્યાસ ' બાદરાયણ '