#આરામ
હાશકારો :
હસમુખભાઈ આમ તો હસતા હસાવતા રહીને જ નોકરી કરે. નામ જેવા ગુણ પ્રાપ્ત કર્યા એટલા ભાગ્યશાળી છો એવું ઘણા સહકર્મીઓ કહેતા.
વૃત્તિ પ્રવૃત્તિ દરમ્યાન ઘણા લોકોની હોય છે કે આ બધી ઝંઝટોથી હવે તો થાક લાગે છે, નિવૃત્તિ મળે તો હાશકારો અનુભવાય તેવો જ ભાવ આ હસમુખભાઈ ના મન પર પણ હાવી થઈ જતો.
ટાણું આવ્યે હસમુખભાઈ પણ નિવૃત્ત થયા. ઘર, કુટુંબ - પારિવારિક જવાબદારીઓમાંથી તો નહીં જ. સંતાનો કામકાજ કરતાં તો થયા હતા પણ સંતોષકારક સ્થિતિ નહીં અને હસમુખભાઈની નિવૃત્તિ થી આવકમાં કસ વર્તાવા લાગી. વ્યાજના દર પણ ઘટતાં જ જતાં હતાં. નાણાની સાથે માણસનું મોલ પણ ઘટતું જતું'તું.
નિવૃત્તિનાં છ-એક માસમાં જ હસમુખભાઈને એક વાર જોયેલા, ઓળખવા મુશ્કેલ પડે તેવા થઈ ગયેલા અને પછીના બે-ત્રણ મહિનામાં જ સ્મરણાંજલિ માં ફોટો જોઈને થયું હસમુખભાઈ નિવૃત્તિ ને જીરવી ના શક્યાં કે હવે જ સાચો નિવૃત્તિ નો હાશકારો અનુભવ્યો.
--મનોજ શુક્લ.
(૫-૯-૨૦૨૦)